Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઈન્જેક્શન માટે પુત્ર ચાર કલાક રખડ્યો પણ ઇન્જેક્શન ન મળ્યું

ઈન્જેક્શન ના મળતા માતાનું મોત થયું : ઈન્જેક્શન નહીં મળે તો જીવનું જોખમ, દીકરો ૬૫૦૦૦ લઈને ચાર કલાક ૧૦થી વધુ જગ્યાઓ પર રખડ્યો હતો

અમદાવાદ,તા.૯ : રાજ્યભરમાં આફત બનીને આવેલા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યની અનેક હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઈન્જેક્શન પણ ખૂટી પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઈન્જેક્શનની અછતને કારણે અમદાવાદની એક મહિલાનું મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક મહિલાના પરિવારે આક્ષેપ કર્યો કે, ડોક્ટરે ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મેનેજ કરવા જણાવ્યું હતું, પરંતુ ૪ કલાક તપાસ કર્યા બાદ પણ ના મળ્યું, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ મુજબ શહેરની ૬૫ વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગતા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમની તબિયત વધારે ખરાબ થતાં ડોક્ટરે તેમના પુત્રને જણાવ્યું કે, ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં અપાય તો જીવને જોખમ થઈ શકે છે.

          જેથી દીકરો ૬૫૦૦૦ રૂપિયા લઈને શહેરની ૧૦થી વધુ જગ્યાએ ૪ કલાક સુધી રખડ્યો પરંતુ ઈન્જેક્શન ક્યાંય મળ્યું નહોતું. પરિવારના એક સભ્યના જણાવ્યા અનુસાર ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કિંમત ૪૦૦૦૦ છે, પરંતુ એ માર્કેટમાં ઉપલબ્ધ નથી. ૪૦ હજારના ઈન્જેક્શન માટે ૬૫૦૦૦ રૂપિયા ખર્ચ કરવા તૈયાર હતા તેમ છતાંય આ ઈન્જેક્શન ક્યાંય મળ્યું નહીં, જેના કારણે સ્વજન ગુમાવવા પડ્યા. જણાવી દઈએ કે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે પણ લોકો પડાપડી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઈન્જેક્શન ખરીદવા માટે ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. અમદાવાદમાં કોરોના સંક્રમણ ભયાવહ રીતે ફેલાઈ રહ્યું છે અને સાતેય ઝોનમાંથી દરરોજ નોંધાતા કેસનું પ્રમાણ વધીને એક હાજરને આંબવા આવ્યું છે. તેના પગલે સિવિલ, સોલા સિવિલ, એસવીપી તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે, હોસ્પિટલોમાં ૪૫૦૦ બેડ કર્યા તો સામે દર્દીઓની સંખ્યા વધીને ૩૭૮૯ પર પહોંચી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને વધુ ૧૯ ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત કોરોના દર્દીને અપાતાં જીવનરક્ષક ઈન્જેક્શનનો જથ્થો પણ ખૂટી પડતાં કોરોનાના દર્દીઓના શ્વાસ તૂટે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.

(9:23 pm IST)