Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

દહેજ અત્યાચાર : છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના કારણે ૧૨૩ યુવતિની આત્મહત્યા

દહેજ સંબંધિત ઘટનાઓ સૌથી વધારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં નોંધાઇ હતી

અમદાવાદ તા. ૧૦ : એકવીસમી સદી અને ખભેથી ખભો મીલાવી ચાલવાની વાતો કરતા યુગમાં પણ દહેજના કારણે યુવતિઓ આત્મહત્યા કરે તો અરેરાટી થવી સ્વાભાવિક છે. આજેપણ દહેજના લાલચુઓ તેમની નાપાક હરકતોથી બાજ નથી આવતાં. થોડા દિવસ પહેલા જ વટવાની આઇશાએ આત્મહત્યા કરી લીધી હતી  તેણ વીડિયો બનાવ્યો હતો જે ખુબ વાયરલ પણ થયો હતો. આવા વીડિયો યુવતિઓની વેદનાને અને દહેજ લેતા લોકોના ઇરાદા સ્પષ્ટ કરે છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૪ દિકરીઓએ આત્મહત્યા કરી છે. ૨૦૧૭-૧૮માં ૭૪ ૨૦૧૮-૧૯માં ૬૧ અને વર્ષ ૨૦૧૯-૨૦માં ૪૯ દિકરીઓએ આત્મહત્યા કરી લીધી હતી. દહેજ સંબધિત ઘટનાઓ સૌથી વધારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં નોંધાઇ હતી.

દહેેજની ઘટનાઓના કેસો અમદાવાદ અને સુરતમાં મોખરે છે. અમદાવાદમાં ૨૦૧૮-૧૯માં ૧૬ ૨૦૧૯-૨૦માં ૧૧ દિકરીઓએ આત્મહત્યા કરી, જયારે સુરતમાં ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦માં ૧૪-૧૪ દિકરીઓઅ આત્મહત્યા કરી હતી.

જયારે પણ દહેજની ઘટના સામે આવે કે તેવી કોઇ પણ યુવતિ વીશે જાણકારી મળે તો સામાજીક સંસ્થાઓ અને લોકો રસ્તા પર તેના ન્યાય માટે ઉતરી જાય છે. પરંતુ થોડા સમયમાં બધુ રાબેતા મુજબ થઇ જાય છે. માટે જ આવી ધટનાઓ વધી રહી છે. ફેમીલી ફોર્ટના વકીલ પૂજા  કહે છે કે જયાં સુધી માતા-પિતા દિકરીઓને વસ્તુઓના નામે દહેજ આપતા રહેશે ત્યાં સુધી આવી ઘટનાઓ બંધ નહીં થાય. દિકરીઓને આપવુ જ છે તો તમારે તેના નામના બોન્ડ કે બેન્કમાં ફીકસ રકમ મુકવી જોઇએ જે તેના ખરાબ સમયમાં કામ આવે અને સાથે જ તેને પગભર પણ બનાવે.

વર્તમાન સમયમાં દહેજની વાત કરવી પણ સૌની માટે શરમની વાત છે કારણ કે આજે તો દિકરીઓ જીવનના કોઇ પણ ક્ષેત્રે પાછળ નથી.

(11:44 am IST)