Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ:એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1,296 નવા કેસ:વધુ 12 લોકોના મોત

છેલ્લા 24 કલાક દરમિયાન 485 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા

અમદાવાદ: શહેરમાં કોરોના સંક્રમિતોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કુલ 1296 નવા કેસ નોંધાયા છે જયારે વધુ 12 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ 124 દિવસ બાદ શહેરમાં મૃત્યુનો આંકડો ડબલ ડિજિટમાં પહોંચ્યો છે. અગાઉ 6 ડિસેમ્બર-2020ના રોજ 10 દર્દીના મોત નીપજ્યા હતા.

   અગાઉ ગુરૂવારે અમદાવાદમાં કોરોનાના 951 કેસ નોંધાયા હતા. જે બાદ બીજા દિવસે વધુ 345 નવા કેસ ઉમેરાવા સાથે આંકડો 1296 પર પહોંચ્યો છે. આજ આંકડા જ દર્શાવે છે કે, શહેરમાં સંક્રમણની સ્થિતિ કેટલી ચિંતાજનક છે. બીજી તરફ નવા કેસોની સામે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ સતત ઘટતા સ્થિતિ વધુ બદતર બનતી જઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 485 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એટલે કે, નોંધાયેલા કેસની સરખામણીએ માત્ર 37 ટકા દર્દીઓ જ સ્વસ્થ થયા કહી શકાય.

   નવા કેસ ઉમેરાવાની સાથે જ શહેરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 75,570 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 2353 નાગરિકોને ભરખી ચૂક્યો છે. અત્યાર સુધીમાં કુલ 68,997 લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(12:19 pm IST)