Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

તંત્ર કોરોના સામે બાથ ભીડવા સજ્જ છે : એક વર્ષથી આપણે લડી રહ્યા છીએ : વિજયભાઇ રૂપાણી

આક્રમક ટેસ્‍ટિંગ માટે સરકારના પ્રયાસ : મુખ્‍યમંત્રીએ ધન્‍વંતરી રથનું લોકાર્પણ કર્યું : રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્‍ટાફ ઉપલબ્‍ધ રહેશે : કોરોના માટેનો એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવશે

ગાંધીનગર,તા.૧૦: આજે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધન્‍વંતરી રથનું લોકાર્પણ કર્યું હતું. પત્રકારો ને સંબોધતા જણાવેલ કે રથમાં મેડિકલ અને પેરામેડિકલ સ્‍ટાફ ઉપલબ્‍ધ રહેશે. કોરોના માટેનો એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવશે ઉપરાંત ડાયાબિટિસ, બ્‍લડ સુગર, હિમોગ્‍લોબીનનો ટેસ્‍ટ પણ કરાશે ધન્‍વંતરી રથ દ્વારા જ દર્દીઓને દવાઓ પણ અપાશે અમદાવાદમાં હાલમાં ૩૫ ધન્‍વંતરી રથ કાર્યરત છે.

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજયમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૪૫૪૧ કેસ નોંધાયા છે અને ૨૨૮૦ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્‍યાર સુધીમાં ૩,૦૯,૬૨૬ દર્દીઓ કોરોના મુક્‍ત થયાં છે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજયમાં ૪૨ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્‍યાર સુધીમાં ૪૬૯૭ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્‍યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજયમાં હાલ ૧૮૭ લોકો વેન્‍ટિલેટર પર છે. એક્‍ટિવ કેસનો આંકડો ૨૨,૬૯૨ પર પહોંચ્‍યો છે.

નોંધનીય છે કે, કોરોનાની બીજી લહેરની શરૂઆતમાં સમગ્ર રાજયમાં ૨૦૦-૩૦૦ કેસથી થઇ હતી, તો એક્‍ટિવ કેસનો આંકડો પણ ૧૦૦૦ આસપાસ આવી પહોંચ્‍યો હતો પરંતુ ત્‍યારબાદ સ્‍થિતિ વણસણતા મહાનગરોમાં અમદાવાદ અને સુરતની સ્‍થિતિ વધુ કફોડી છે. ગણતરીના દિવસો પહેલા સમગ્ર રાજયમાં જેટલા કેસ નોઁધાતા હતા તેટલા કેસ આજે માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

(3:54 pm IST)