Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગાંધીનગરમાં કોરોના પોઝીટીવ દર્દી ગુમ થયા બાદ હવે મૃતદેહ મળતા ભારે ચિંતાઃ દર્દીઓના સગાઓનો હોબાળો

ગાંધીનગર: શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને મોટા પ્રમાણમાં દાખલ થઇ રહ્યા છે. જો કે હંમેશાની જેમ સિવિલ હોસ્પિટલમાં રેઢીયાળ તંત્રની વધારે એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કોરોના પોઝિટિવ દર્દી બે દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. જો કે ચોંકાવનારી બાબત છે કે બે દિવસ બાદ હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે.

સામાન્ય રીતે કોરોનાની સારવાર માટે દર્દીના સગાને સાથે રહેવા દેવામાં આવતા નથી. જેથી હોસ્પિટલ તંત્રના વિશ્વાસે જ પોતાના સ્વજનને મુકીને સગા સંબંધિઓ જતા હોય છે. સમયાંતરે ફોન પર વાત કરતા રહેતા હોય છે. જો કે બે દિવસથી અશ્વિન કનોજીયા નામના દર્દીનો સંપર્ક નહી થતા તેના પરિવારજનોને વારંવાર હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે તે દર્દી મળી આવ્યો નહોતો.

બે દિવસ બાદ દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓનો જમાવડો થયો હતો. તેમણે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દર્દીઓના સગાનો હોબાળો જોઇને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આરએમઓની ઓફીસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, કોરોના પોઝિટિવ અશ્વિન કનોજીયા ગુમ થયાની ફરિયાદ થઇ ત્યારથી જ પોલીસ તેની શોધખોળ ચલાવી રહી હતી.

(4:37 pm IST)