Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વડોદરા: સિંધુનગર સોસાયટીમાં અન્ય બોક્સની આડમાં સંતાડીને દારૂ વેચનાર શખ્સના ઘરે પોલીસે દરોડા પાડી 156 બોટલ જપ્ત કરી

વડોદરા: શહેરમાં.મેંગો ફ્રુટીના બોક્સમાં સંતાડીને દારૃ વેચતા રીઢા આરોપીના ઘરે પીસીબી પોલીસે રેડ કરીને દારૃની  ૧૫૬ બોટલ કબજે કરી  હતી.રીઢા આરોપીને  પકડી પીસીબી પોલીસે વાડી પોલીસને સુપરત કર્યો છે. 

પીસીબી પોલીસને માહિતી મળી  હતી કે,વાડી ઇદગાહ મેદાન પાસે સિંધુનગર સોસાયટીમાં રહેતો કૌશિક ઉર્ફે મજનૂ વિદેશી દારૃનો ધંધો કરે છે.જેથી,પોલીસની ટીમે કૌશિકના ઘરે રેડ પાડતા તેના ઘરમાંથી મેંગો  ફ્રુટીના બોક્સમાં સંતાડેલી વિદેશી દારૃની ૧૫૬ બોટલ કિંમત રૃપિયા ૮૫,૬૦૦ ની મળી આવી હતી.જેથી,પોલીસે આરોપી કૌશિક ઉર્ફે મજનૂ ઠાકોરભાઇ કેથવાસ (રહે.જગન્નાથ કોમ્પલેક્સ,પ્રતાપ નગર રોડ,વાડી)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે મજનૂની હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે,મજનૂએ વિદેશી દારૃનો જથ્થો વારસિયાના હરિ સીંધી પાસેથી લીધો છે.પીસીબીએ  હરિ સીંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ વાડી પોલીસને સુપરત કરી છે.

ઉલ્લેખનીય છે કેે,આરોપી મજનૂ સામે છેલ્લા પાંચ વર્ષમાં ચોરીના ૬,મારામારીના ૧,અને પ્રોહિબિશનના ૩ ગુના દાખલ થયા છે.અને તેની બે વખત પાસામાં પણ અટકાયત કરવામાં આવી છે.ચોરીના ગુનામાં એક વખત મજનૂને પકડવા ગયેલા વાડી પોલીસ સ્ટેશનના એક પોલીસ જવાનના કાન પર તેણે બચકુ ભરી લીધુ હોવાની વાત પણ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

(4:43 pm IST)