Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં કોરોનાના કેસ વધતા અને મૃત્યુનું પ્રમાણ વધતા કબ્રસ્તાનમાં મૃતદેહનો દફનાવવા માટે કબરો ખોદી-ખોદી મજુરો થાકી ગયા

સુરત: ગુજરાતના તમામ મોટા જિલ્લાઓમાં જીવલેણ કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સંક્રમણની ચેઈન તોડવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આમ છતાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બનતી જઈ રહી છે. સુરતમાં સ્થિતિ વધારે ચિંતાજનક જણાય છે. અહીં સતત પોઝિટિવ દર્દીઓ વધવા સાથે મરણનો આંકડો પણ વધવા લાગ્યો છે. હવે સ્થિતિ એટલી ભયાનક થઈ ગઈ છે કે, કબ્રસ્તાનમાં મૃતદેહોને દફનાવવા માટે કબરો ખોદી-ખોદીને મજૂરો થાકી ગયા છે.

સુરત શહેરના રાંદેરમાં બે અને રામપુરામાં એક કબ્રસ્તાનમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોને દફનાવવામાં આવી રહ્યાં છે. ત્રણેય કબ્રસ્તાનોમાં સામાન્ય દિવસોમાં બે થી ત્રણ જનાજા આવતા હતા, પરંતુ હવે પ્રતિદિન 8 થી 10 મૃતદેહો આવી રહ્યાં છે.

ભાગળના કબ્રસ્તાનમાં તો 25 કબરો એડવાન્સમાં ખોદીને રાખવામાં આવી છે. પૂરૂ થવા આવશે, ત્યારે બીજી 25 કબરો તૈયાર રાખવામાં આવશે. મજૂરો કબર ખોદી-ખોદીને થાકી ગયા છે, જેના કારણે હવે કબરો ખોદવા માટે JCBની મદદ લેવામાં આવી રહી છે.

અંગે કબ્રસ્તાનની દેખરેખ રાખતાં શખ્સનું કહેવું છે કે, દરરોજ 10 શબો દફનાવવા માટે આવી રહ્યાં છે. આથી જનાજો આવ્યા બાદ કબર ખોદવા બેસીએ તો બે દિવસ થઈ જાય. સામાન્ય શબને 6 ફૂટની કબર ખોદીને દફનાવવામાં આવી છે. જ્યારે કોરોના સંક્રમિતના મૃતદેહને દફનાવવા માટે 10 ફૂટ ઊંડી કબર ખોદવી પડે છે.

એક કબર તૈયાર કરવામાં ત્રણ કલાકનો સમય થાય છે. હાલ કબ્રસ્તાનમાં કબરો ખોદવા માટે વધારે મજૂરો રાખવામાં આવ્યા છે. હાલ રોજ 4 શબો આવી રહ્યાં છે. ચાર થી પાંચ શબ થવા પર કબર ખોદીને મજૂરો પણ થાકી જાય છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં પ્રથમ વખત નવા કેસ 4 હજારને પાર 4021 પર પહોંચી ચૂક્યા છે. જેમાં સુરત અને અમદાવાદમાં તો નવા કેસો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે. બન્ને શહેરોમાં નવા કેસો ક્રમશ: 960 અને 976 નોંધાયા છે.

(5:24 pm IST)