Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરતમાં ઇન્જેકશનની અછતના મામલે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે આમ આદમી પાર્ટીએ ઘેરાવ કર્યો : પોલીસે અટકાયતનો પ્રયાસ કરતા ઘર્ષણ

સુરત : આરોગ્ય મંત્રી ઈન્જેકશન આપો, નહી તો રાજીનામું આપો, આપ પાર્ટીએ આરોગ્યમંત્રીના ઘરનો કર્યો ઘેરાવ. સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય મંત્રી ઇન્જેક્શન આપે અથવા રાજીનામું આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ ત્યાં પહોચી જતા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

         સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. અને બેડની અછત છે. આ બધા વચ્ચે જયારે લોકોની મદદ કરવાનો સમય છે ત્યારે સુરતમાં રાજનીતિ ચરમસીમા પર જોવા મળી રહી છે. સુરતમાં એક તરફ બીજેપી કાર્યાલયથી ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧ હજાર જેટલા ઇન્જેક્શન આજે બીજેપી કાર્યાલયથી લોકોને આપવામાં આવ્યા હતા.  તો બીજી તરફ આપ પાર્ટીના વીપક્ષ નેતા, કાર્યકરો, કોર્પોરટરો વરાછા સ્થિત રહેતા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘર બહાર પહોચી ગયા હતા.  

          અને હાથમાં વિવિધ બેનરો લઈને અને આરોગ્ય મંત્રી ઇન્જેક્શન આપે અથવા રાજીનામું આપે તેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ આપ પાર્ટીનો વિરોધ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને પોલીસે આપના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે સમયે ઘર્ષણ પણ સર્જાયું હતું.

(6:05 pm IST)