Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના કાળમાં શિક્ષકો રેશનિંગ દુકાને અનાજ વિતરણ કરશે

નિર્ણયનો શિક્ષક સંઘ દ્વારા જોરદાર વિરોધ : કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી

અમદાવાદ, તા. ૯ : કોરોના કાળમાં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરાતા વિવાદ થયો છે. જેનો શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વધારે એક આદેશ અપાયા બાદ વિવાદ વકર્યો છે. મ્યુનિસિપલ શાળાઓમાં મધ્યાન ભોજન બંધ છે.  વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે. કુપન પ્રમાણે નક્કી કરેલી અનાજની દુકાનો પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં પરિપત્રનો મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યુ છે. જેથી હાલ પુરતું અનાજ વિતરણની કામગીરી બંધ રાખવામાં આવે અને શાળાઓ શરૂ થાય ત્યારે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ શિક્ષકો અન્ય કામગીરી પણ કરી રહ્યા છે તેવામાં હવે અન્ય કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

(9:53 pm IST)