Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મ્યુકર માઇકોસીસ સામે લડવા સુરત સજ્જ :નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ઓપરેશન થિયેટર તૈયાર

સિવિલ હોસ્પિટલમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ દર્દીઓને દાખલ: સુગર, ડાયાબિટીસ હોય તેમના માટે મુસીબત વધી શકે

સુરત સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દરમિયાન એક નવી બીમારી મ્યુકર માઇકોસીસ સામે આવી છે. જેનાથી દર્દીઓને સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ અને ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટરોની એક ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ બીમારીમાં સિવિલ હોસ્પિટલમાં બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આ બીમારીને કારણે જે લોકોને સુગર, ડાયાબિટીસ હોય તેમના માટે મુસીબત વધી શકે છે.

સુરતમાં આવા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સતત વધી રહી છે. જોકે સુરતથી સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધી ફક્ત પાંચ દર્દીઓ જ દાખલ થયા છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાગીણી વર્માએ જણાવ્યું છે કે મ્યુકર માઇકોસીસના દર્દીઓને સારવાર આપવા માટે બે દિવસ પહેલા જ ઇએનટી તથા મેડિસિન ડિપાર્ટમેન્ટના ડોક્ટર ની મિટિંગ મળી હતી. જેમાં આ રોગના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વોર્ડમાં 35 થી 40 બેડની વ્યવસ્થા છે. તેમના માટે અલગથી ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઓક્યુપ્લાસ્ટિક સર્જરીના ડોક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આવા દર્દીઓને સારવાર માટે મેડિકલ એનેસ્થેસિયા, ન્યુરોસર્જન સહિત અન્ય ડોક્ટરની ટીમ તૈયાર કરવામાં આવી છે .

આ પ્રકારના રોગમાં દર્દીનું નાક બંધ થઇ જાય છે. નાકની આજુબાજુ સોજા આવી જાય છે. ચહેરા પર સોજો આવવો અને ક્યારેય તાવ આવે છે. જે લોકોને પહેલાં પણ આ બીમારી થઇ હોય તેમનામાં આ ઇન્ફેક્શન ઝડપથી ફેલાઈ શકે છે. આ રોગથી બચવા માટે સાફ સફાઈ જરૂરી છે.સાથે જ ધૂળ વગેરે વસ્તુ ના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત લોકોએ સમયાંતરે હાથ-પગ ધોતા રહેવું જોઈએ

(11:28 am IST)