Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ગાંધીનગર જિલ્લાના અડાલજના શેરથા નજીક તસ્કરોએ મંદિરને નિશાન બનાવી આભૂષણોની ચોરી કરતા ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા અડાલજના શેરથા પાસે રામાપીર મંદિરમાં ગઇરાત્રીએ તસ્કર ટોળી ત્રાટકી હતી અને મંદિરમાંથી ચાંદીના છત્તર અને ચાંદીના પગલાં મળી રૃપિયા ૧૭ હજાર ઉપરાંતના આભૂષણોની ચોરી કરી લીધી હતી. જેથી સંદર્ભે પુજારીને આજે સવારના સમયે જાણ થતાં તેમણે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલમાં કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલાં અડાલજના શેરથા પાસે રામાપીર મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શેરથા કસ્તુરીનગરમાં રહેતાં રમેશજી જીવણજી ઠાકોર મંદિરમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. આજે સવારના સમયે મંદિરના પુજારી બટુક મહારાજનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે મંદિરના તાળા તુટેલા છે જેથી તેઓ તુરંત મંદિરે પહોંચ્યા હતા અને ગર્ભગૃહની અંદર તપાસ કરતાં મંદિરમાંથી ચાંદીના છત્તરમુર્તિ આગળ મુકેલા ચાંદીના પગલાં ચોરાયા હોવાનું જણાયુું હતું. ગઇકાલ સાંજે મંદિરના પુજારી આરતી કરીને મંદિરને તાળુ મારીને ગયા હતા જેથી રાત્રીના સમયે તસ્કરોએ મંદિરમાં હાથ સાફ કર્યો હોવાનું જણાયું હતું. હાલ તો અડાલજ પોલીસે ૧૭ હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાકાળ દરમિયાન શરૃ થયેલી ચોરીઓએ પોલીસની ચિંતા વધારી દીધી છે. 

(5:48 pm IST)