Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

શહેરોમાં કેસ ઘટ્યા પણ સૌરાષ્ટ્રના ગામડાઓની સ્થિતિ ચિંતાજનક

કડક પગલાંઓ બાદ સંક્રમણની બદલાતી ચાલ : સૌરાષ્ટ્રમાં એક દિવસની અંદર ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા, ગામડાઓમાં પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો

અમદાવાદ, તા. ૧૦ : રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર હવે થોડો ઓછો થયો છે તેવું સરકાર દ્વારા જાહેર થયેલા આંકડાઓ પરથી લાગી રહ્યું છે. ખાસ કરીને રાજ્યના મહાનગરો અને શહેરોમાં કોરોનાની જે ભયાનક સ્થિતિ હતી, તેમાં સુધાર થયો છે. હોસેપિટલોમાં બેડ ઉપલબ્ધ થયા છે અને હોસ્પિટલોની આગળ એમ્યુલન્સની લાઇનો પણ ઓછી થઇ છે. રાહતના સમાચાર ગણી શકાય પરંતુ બીજી તરફ રાજ્યના ગામડાઓમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામડાઓએ ચિંતામાં વધારો કર્યો છે.

એક તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો ટ્રેન્ડ શરુ થયો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં એક દિવસની અંદર ૨૯૦૦ નવા કોરોના કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં ૩૯૫ પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ઉપલેટામાં ૧૦૦ કેસ, ધોરાજીમાં ૭૦ કેસ તથા જેતપુરમાં ૯૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગામડાઓમાં કોરોનાના કારણે મૃત્યુદર પણ ઘણો વધારે છે. ખાસ કરીને તેનું કારણ છે કે ગામડાના લોકોને યોગ્ય સુવિધાઓ નથી મળી રહી. જેથી સારવાર મળે તે પહેલા લોકોના મોત થઇ રહ્યા છે. સિવાય ગામડાઓમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગનું નામ નથી. સરકારી દાવાઓ ગમે તેવા હોય પરંતુ હકીકત કંઇક અલગ છે. તો બીજી તરફ ગામડાના લોકોમાં જાગૃતિના અભાવના કારણે પણ કોરોનાનો ફએલાવો વધ્યો છે.

(7:47 pm IST)