Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના કાળમાં ગ્રામવિસ્તારમાં સારવાર માટે મુશ્કેલી : સરકારે ઊભી કરેલી વ્યવસ્થા અપુરતી : હાઇકોર્ટમાં રીટ

સુઓમોટો રીટની સાથે સુનાવણી કરવા અરજદાર તરફથી દાદ મંગાઇ : ગામડાંઓના કોરોના દર્દીઓને સારવાર માટે શહેરોમાં જવું પડે છે

અમદાવાદ : કોરોનાને કાબૂમાં લેવાં માટે રાજ્ય સરકાર દ્વારા જેમ વિવિધ શહેરોમાં ખાસ પગલાં લેવામાં આવ્યા છે તેવાં જ પગલાં ગ્રામ્ય વિસ્તારો માટે ન લેવાયા હોવાની ફરિયાદ કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં અરજદાર તરફથી રજૂ કરવામાં આવી છે.

આ અરજીની સુનાવણી સુઓમોટો સાથે કરવાની દાદ માંગી છે. અરજદારની રજૂઆત છે કે ગ્રામ્ય વિસ્તારમાં સરકારે ઉભી કરેલી વ્યવસ્થા અપૂરતી છે અને કોરોનાની સારવાર માટે અસક્ષમ છે.

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતાં અરજદાર લલિથભાઇ ચંપકલાલ શાહે એડવોકેટ ભાવિક સામાની મારફતે કરેલી રીટ અરજીમાં એવી રજૂઆત કરી છે કે રાજ્ય સરકારે વિવિધ શહેરોમાં ખાનગી હોસ્પિટલોના અમુક ટકા બેડ કોરોના માટે અનામત રાખ્યા છે અને આ બેડ પર સરકારી ખર્ચે સારવાર લઇ શકાય છે.

જો કે ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોમાં આવાં કોઇ પગલાં લેવાયા નથી. જેનાં કારણે ગામડાંઓના કોરોના દર્દીઓને સારવાર માટે શહેરોમાં જવું પડે છે અને કેટલાંક અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને ખૂબ મોટું અંતર કાપી હોસ્પિટલોએ જવું પડે છે. કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સારવાર માટે એસ.ઓ.પી. આપી છે, આ વ્યવસ્થા નમમાત્રની ન રહેવી જોઇએ અને તેનું વાસ્તવિક અસ્તિત્વ પણ હોવું જોઇએ

અરજદાર તરફથી રીટ અરજીમાં વધુમાં એવો પણ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે, ખાનગી હોસ્પિટલોમાં સારવાર અતિખર્ચાળ હોવાથી તેમણે નાછૂટકે સારવાર માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

કોરોનાની સારવાર માટે ગામડાંઓમાં ઉપલબ્ધ સરકારી સ્વાસ્થય સુવિધાઓ અપૂરતી છે અથવા સારવાર માટે સક્ષમ નથી. તેથી આ ગ્રામ્ય વિસ્તારની ખાનગી હોસ્પિટલોમાં પણ સરકારે અમુક બેડ સરકારી સારવાર માટે ફાળવવા જોઇએ અને તેમાં ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને સારવાર આપવી જોઇએ તેવી દાદ માંગવામાં આવી છે.

(11:55 pm IST)