Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

પાટણમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા માટે ૧૮ મીએ ભવ્‍ય મામેરા ભરાશે

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૯ :.. ભગવાન જગન્નાથજીની ૧૪૧ મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીગણ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્‍યારે ભગવાન જગન્નાથજીની ૧૪૧ મી રથયાત્રાને અનુલક્ષીને તારીખ ૧૮ જૂનના રોજ ભગવાનના મામેરાનો લાભ લેનાર યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઇ પટેલના ભગવતીનગર ખાતેના નિવાસસ્‍થાને ભગવાનનું મામેરૂ લોક દર્શનાર્થે પાથરવામાં આવશે.

આ મામેરામાં ૩ મુગટ, ૩ સેટ, સોળશણગાર, રૂા. ૧.૭૧ લાખ રોકડ, ૭પ૦ ગ્રામ ચાંદી, રેશમી કપડા,  પીતાંબર સહિતનું ભગવાનનું મામેરૂ ભરાશે. જે મામેરૂ તા. ૧૯ જુનના રોજ યજમાન પરિવાર એવા મયંકભાઇ રમેશભાઇ પટેલના ભગવતી નગર ખાતેના નિવાસસ્‍થાનેથી સાંજે પ કલાકે વાજતે ગાજતે શણગારેલી બગીમાં મામેરૂ નીકળશે. અને શહેરના બગવાડા દરવાજા, હિગળાચાચર થઇ ને ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે આવશે. જયાં મામેરાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીગણ સહિત ઉપસ્‍થિત ભકતો દ્વારા ભવ્‍ય સામૈયુ કરાશે.

પાટણ ખાતે આયોજિત કરાયલ ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૧ મી રથયાત્રાના મામેરા સહિત વિષ્‍ણુયાગ તેમજ અન્‍ય આયોજિત ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્‍ટ પરિવારના મેનેજીંગ ટ્રસ્‍ટી અને રથયાત્રા સમિતિના કન્‍વીનર પિયુષભાઇ આચાર્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

 

(3:55 pm IST)