Gujarati News

Gujarati News

News of Saturday, 10th June 2023

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસઃ ર શખ્‍સોના હાઇકોર્ટમાંથી જામીન મંજુર

પોલીસને સાથ-સહકાર આપવાની શરતે જામીન મળ્‍યા

અમદાવાદ, તા. ૧૦: મોરબીનો ઝુલતો પુલ તૂટી પડવાના કેસમાં બે આરોપીઓને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે બંને આરોપીઓની રેગ્‍યુલર જામીન અરજી મંજૂર કરી છે. જોકે બંનેને શરતી જામીન આપવામાં આવ્‍યા છે. આ બંને આરોપીઓ બ્રિજ પર ટિકિટ એકત્ર કરવાના કામમાં સંકળાયેલા હતા અને પોલીસે બેદરકારીપૂર્વક ટિકિટ વેચવા બદલ બંનેની ધરપકડ કરી હતી.

મોરબી ઝુલતા પુલ કેસમાં આરોપીઓને કોર્ટે રેગ્‍યુલર જામીન મંજૂર કર્યા છે. ટિકિટ વેચનાર મહાદેવ સોલંકી અને મનસુખ પટેલને એ શરતે જામીન આપવામાં આવ્‍યા છે કે તેઓ પોલીસ તપાસમાં સહકાર આપશે. મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવસે ૩૧૬૫ ટિકિટનું વેચાણ થયું હતું. આ કેસમાં મળતકના સંબંધીઓ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે ટિકિટનું બ્‍લેક માર્કેટિંગ કરવામાં આવ્‍યું હતું, જેના કારણે લોકોની ભીડ વધી ગઈ હતી અને પુલ તૂટી પડ્‍યો હતો.

ઉલ્લેખનીય છે કે, ૩૦ ઓક્‍ટોબર, ૨૦૨૨ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાને કારણે ૧૩૫થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાએ ૧૯૭૯માં મચ્‍છુ ડેમ દુર્ઘટનાની યાદ અપાવી હતી. બ્રિજના સમારકામનો કોન્‍ટ્રાક્‍ટ ઘડિયાળ બનાવતી કંપનીને આપવામાં આવ્‍યો હતો, જેની બેદરકારીને કારણે અનેક લોકોના જીવ ગયા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી એવા સમયે આ દુર્ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્‍યક્‍ત કર્યો હતો અને દર્દીઓને મળવા તાત્‍કાલિક મોરબી પહોંચી ગયા હતા અને મળતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી. છઠ પૂજાના દિવસે પુલ પર ભારે ભીડ ઉમટી પડતાં વાયર તૂટી જતાં પુલ નદીમાં પડ્‍યો હતો. દુર્ઘટના સમયે બ્રિજ પર લગભગ ૫૦૦ લોકો હાજર હતા.

(4:02 pm IST)