Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ :જય રણછોડના નાદથી ગુંજી ઉઠશે મંદિર પરિસર

કાલે ભગવાન નિજ મંદિર પરત ફરશે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ યોજાશે: ભાજપના અધ્યક્ષ સી. આર.પાટિલ હાજર રહેશે

અમદાવાદ :શહેરમાં 12 જુલાઇના રોજ કર્ફ્યૂમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને જમાલપુર ખાતેના મંદિર પરિસરમાં તૈયારીઓ આખરી તબક્કામાં છે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે ભગવાન મોસાળથી પરત આવે છે ત્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. ભગવાન અમાસના દિવસે એટલે કે શનિવારે નિજ મંદિર પરત ફરશે ત્યારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.

 

આ વર્ષે કોરોનાના પગલે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કોવિડ ગાઈડ લાઇન અંતર્ગત સીમીત ભક્તો અને આમંત્રિતો સાથે કરવામાં આવશે. જેમાં શનિવારે સવારે 6 વાગે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવશે. તેમજ સવારે 8 વાગે નેત્રોત્સવ(Netrotsav) વિધિ પ્રારંભ કરવામાં આવશે. નેત્રોત્સવ વિધિ બાદ 9.30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેમજ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર.પાટિલ હાજર રહેશે

 

એક માન્યતા મુજબ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાના દિવસથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે 15 દિવસ પોતાના મોસાળમાં જતા હોય છે જયારે અમાસના દિવસે નિજ મંદિરે પરત ફરે છે. જ્યારે ભગવાનની મોસાળમાં આગતા સ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક ભોજન, મિષ્ટાનો, કેરી અને જાંબુ આરોગ્યા હોય છે. જેના લીધે માન્યતા છે કે તેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી અમાસના દિવસે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

 

આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તેની બાદ મંગળા આરતી કરવામાં આવે છે.

નેત્રોત્સવ વિધિના બીજા દિવસે રવિવારે 11 જુલાઇના રોજ સવારે 9 વાગે ભગવાન સોનાવેષમાં દર્શન થશે. જ્યારે સવારે 10 વાગે ગજરાજોની પૂજા કરવામાં આવશે. તેની બાદ બપોરે 2 વાગે ત્રણેય રથોની પૂજા મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવશે. જ્યારે સાંજે 6.30 વાગે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભગવાનના દર્શન માટે આવશે. તેમજ સાંજે 8 વાગે મહાઆરતી કરવામાં આવશે.

(8:50 pm IST)