Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

માતાના નિધન બાદ ઇન્શ્યોરન્સ કંપનીને કોર્ટ સુધી ઢસડી જતા સંતાનોને 71 લાખ વળતર પેટે ચૂકવાયા

અમદાવાદ :શહેરમાં ખાનગી બેંકમાં નોકરી કરતી મહિલાને ટ્રક ચાલકે અડફેટે લેતા તેઓનું અકસ્માતમાં મોત થયું હતું. સંતાનો નિરાધાર થઈ જતા તેમણે માતાનો ઇન્શ્યોરન્સ લેવા માટે કંપનીમાં ક્લેઇમ કર્યો હતો. જોકે તેમને વળતર ન મળતા ગ્રામ્ય કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટની હાજરીમાં બંને પક્ષોમાં સમાધાન થતા નોંધારા સંતાનોએ 71 લાખ વળતર પેટે મળ્યા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં રહેતી મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. પરિવારમાં પિતાના અવસાન બાદ સંતાનો તેમની માતા જોડે રહેતા હતા અને તેઓ એક ખાનગી બેકમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. માતાની મોત બાદ સંતાને ઈન્શ્યોરન્સ કંપની પાસેથી વળતરની માંગ કરી હતી.સંતાને ઇન્શ્યોરન્સ કંપની સામે 1.50 કરોડનો ક્લેઇમ કર્યો હતો. સાથે આ ક્લેઇમની રકમ ન મળતા તેઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 2018માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનેક ટ્રાયલ કોર્ટમાં ચાલ્યા હતા. આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ જવાની પણ કોર્ટ સમક્ષ તેમના વાલીઓએ રજુઆત કરી હતી.

તમામ હકીકતને ધ્યાનમાં લઈ કોર્ટે આ બાળકોને ન્યાય મળે તે માટે ઇન્શ્યોરન્સ કંપની પાસે જવાબ માંગ્યો હતો. જોકે લોક અદાલત દરમિયાન આ અરજદાર અને ઇન્શ્યોરન્સ કંપની વચ્ચે સમાધન થયું હતું. જેમાં ઈન્શ્યોરન્સ કંપનીએ 71 લાખ જેટલું વળતર પેટે આપ્યા છે. આ કેસનો નિકાલ ડિસ્ટ્રીક ઇન્ચાર્જ જજની ઉપસ્થિતિમાં બંને પક્ષને સમાધાન કરાવી કર્યોં છે.

(7:32 pm IST)