Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.ના કુલપતિ તથા રજીસ્ટ્રારને હાઇકોર્ટની નોટીસ

2016માં સિન્ડિકેટની બેઠકમાં ઠરાવ કરાયો છતાં નાણાં ચુકવાતા નથી: અરજદારે હાઇકોર્ટમાં રીટ અરજી કરી

સુરત સ્થિત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડેકોરેશન તથા અન્ય વ્યવસ્થા પુરી પાડવાના નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા કરતા હોવાથી અરજદારે હાઇકોર્ટમાં રીટ અરજી કરી છે. આ રીટ અરજી પર હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જે. દેસાઇ તથા ન્યાયમૂર્તિ એ.પી. ઠાકરની ખંડપીઠે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તથા રજીસ્ટ્રાર સામે નોટીસ કાઢીને વધુ સુનાવણી 13મી જુલાઇ પર મુકરર કરી છે.

સુરતના પંકજ જશવંતભાઇ પટેલે એડવોકેટ નિમિષ કાપડીયા તથા રૂષભ કાપડીયા મારફતે હાઇકોર્ટમાં કરેલી રીટ અરજીમાં જણાવ્યું હતું કે, 2015માં યુનિવર્સીટના કાર્યક્રમોમાં તેમણે ડેકોરેશન તથા અન્ય વ્યવસ્થાઓ પુરી પાડી હતી. જેમાં યુનિવર્સીટીએ ફક્ત 20 લાખ રૂપિયા જ ચુકવ્યા હતા અને બાકીના 40 લાખ રૂપિયા યુનિવર્સીટી પાસેથી લેવાના છે. આ રકમ મેળવવા માટે વારંવાર ઉઘરાણી કરવા છતાં યુનિવર્સીટીના અધિકારીઓ એક કે બીજા બહાના હેઠળ રકમ ચુકવતાં નથી. 2016માં યુનિવર્સીટીની સિન્ડિકેટની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાકટરને 50 ટકા રકમ ચુકવવી. પરંતુ તે પણ ચુકવેલ નથી.

યુનિવર્સીટીએ પૈસા ચુકવવા ન પડે તે હેતુથી તપાસ સમિતિની નિમણૂંક કરી હતી. આ સમિતિએ પણ અરજદારની તરફેણમાં રિપોર્ટ આપ્યો હોવા છતાં ખોટી રીતે બીજી કમિટી બનાવી અરજદારને નાણાં ચુકવવામાં આવતા નથી.

યુનિવર્સીટી તરફથી રજીસ્ટ્રારના પત્રના આધારે એડવોકેટે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારને આપવાની રકમનો પ્રશ્ન એક મહિનાની અંદર સિન્ડિકેટ સમક્ષ નિર્ણય માટે મૂકવામાં આવશે. પરંતુ આવો હુક્મ મેળવ્યા છતાં કુલપતિ એ અરજદારની લેખિત અરજીઓ છતાં અરજદારના નાણાં ચુકવવાનો પ્રશ્ન સિન્ડિકેટ સમક્ષ મૂકવામાં આવ્યો નથી. અને કોર્ટ સમક્ષ ખોટું નિવેદન કર્યું હોવાથી તેમના વિરુધ્ધ કોર્ટના હુક્મના અનાદર બદલની કાર્યવાહી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ.

અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એ.જે. દેસાઇ તથા ન્યાયમૂર્તિ એ.પી. ઠાકરની ખંડપીઠે વીર નર્મદ સાઉથ યુનિવર્સીટીના કુલપતિ તથા રજિસ્ટાર સહિત અન્યો સામે કારણદર્શક નોટીસો જારી કરવાનો હુક્મ કર્યો હતો.

(11:09 pm IST)