Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમદાવાદના ખોખરના મોહન એસ્ટેટના ધાબા પરથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો :આરોપી પ્રેમીની ધરપકડ

પ્રેમિકાના અન્ય સાથે સબંધ હોવાથી ગુસ્સામાં આવી પ્રેમીએ મોતને ઘાટ ઉતારી

અમદાવાદ : ખોખરના મોહન એસ્ટેટના ધાબા ઉપરથી ગત 6 જુલાઈના રોજ પ્લાસ્ટિકની ટાંકીમાં એક મહિલાની કોવાઈ ગયેલી લાશ મળી હતી. ઘટનાની જાણ ખોખરા પોલીસને થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પ્રેમિકા પર ભરોસો કરી પ્રેમીએ પોણા બે લાખ સાચવવા માટે આપ્યા હતા. દરમિયાનમાં આ પૈસા પ્રેમિકાએ વાપરી નાખ્યા હતા અને પ્રેમિકા બીજા સાથે પણ સંબંધ રાખતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પ્રેમીએ તેને ખોખરના મોહન એસ્ટેટના ધાબા પર બોલાવી ગુસ્સામાં આવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે પ્રેમીની ધરપકડ કરી હતી.

આ અંગે ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંગ યાદવે જણાવ્યું હતું કે, આ મહિલાની હત્યા કરનાર રખિયાલ ઈરફાન રહીમમુલ્લા ખાનની ધરપકડ કરી હતી. આરોપી ઇમરાનની પુછપરછ કરતા બહાર આવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી મરનાર રેખા સાથે પ્રેમ સંબંધ હતો. ગત 2019માં પોણા બે લાખ રૂપિયા પણ રેખાને રાખવા માટે આપ્યા હતા જે પણ રેખાએ વાપરી નાખ્યા હતા. રેખા અન્ય વ્યક્તિ સાથે સબંધ રાખતી હોવાનું ઇમરાનને ખબર પડી હતી. જેથી ઇમરાને રેખાને ખોખરા મોહન એસ્ટેટના શેડ પર લઈ જઈ રેખાને ઠપકો આપ્યો હતો. આ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઇમરાને ગુસ્સામાં આવી જઇ રેખાનું ગળું દબાવી નીચે પાડી દીધી હતી. જેથી માથામાં ઇજા થઇ હતી.

વધુ ઉશ્કેરાઈ જતા ઇમરાને છરીથી રેખાના પેટમાં એક ઘા મારી દીધો હતો. જેથી રેખાનું મોત નીપજ્યું હતું બાદમાં રેખાને ધાબા પર રાખેલી ખાલી ટાંકીમાં નાખી દીધી હતી. બાદમાં રેખાના બે ફોન પણ ઇમરાન લઈ જતો રહ્યો હતો. આમ પોલીસે આરોપી પાસે થી ચાર મોબાઈલ કબ્જે કર્યા હતા. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી ખોખરા પોલીસને કસ્ટડી સોંપી હતી

(11:13 pm IST)