Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમદાવાદ મનપાનું ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ માટે ચિઅર ફોર ઇન્ડિયા કેમ્પઈન

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો: શહેરીજનો ત્યાં ઉભા રહી ફોટો પડાવે અને સોશિયલ મીડિયામાં મૂકે તેવી અપીલ કરાઈ

અમદાવાદ : મહાનગર પાલિકા  દ્વારા જાપાનના ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ માટે ચિઅર ફોર ઇન્ડિયા કેમ્પઈન શરૂ કર્યું છે  અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો છે, આ સેલ્ફી પોઇન્ટ ઉપર શહેરીજનો ઉભા રહી ફોટો પડાવે અને સોશિયલ મીડિયામાં મૂકે તેવી અપીલ કરાઈ છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટોકિયો ઓલમ્પિક માટે ચીઅર કેમ્પઈન શરૂ કર્યું છે જે અંગે સત્તાવાર પ્રેસનોટ કરાઈ છે, અમદાવાદ મ્યુનિ.એ જણાવ્યું હતું કે, ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે ભારત સરકારના ખેલ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ચિઅર ઇન્ડિયા કેમ્પઈન શરૂ કર્યું છે. આજથી સાબરમતી રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો છે અને ત્યાં શહેરીજનો સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા અપીલ કરી છે.

23 જુલાઈના રોજ યોજાનારા ઓલમ્પિક અને પેરા ઓલમ્પિક ગેમ્સમાં ગુજરાતની 6 મહિલા ખેલાડી ભાગ લેશે. 2020 ઓલમ્પિકમાં ગુજરાતના 1. પારુલ પરમાર (પેરા બેડમિન્ટન), 2. ભાવિના પટેલ ( પેરા ટેબલ ટેનિસ), 3. સોનલ પટેલ ( પેરા બેડમિન્ટન) 4. અંકિતા રૈના (ટેનિસ), 5. માના પટેલ (સ્વિમિંગ) અને 6. ઇલાવેનિલ વાલારિવાન ( શૂટિંગ) ખેલાડી ભાગ લેશે. જેને ચિઅર કરવા સેલ્ફી પોઇન્ટ ઉભા કર્યા છે.

(12:30 am IST)