Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સેનેટાઈઝર ફેક્ટરીમાં ભીષણ આગ, બે કલાકે કાબૂ મેળવાયો

ચાંગોદર પાસેના મોરૈયા ગામ નજીકની ઘટના :આર્મેડ ફોર્મેશન નામની ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા અમદાવાદથી ફાયરની ૧૩ ગાડી દોડાવવી પડી

અમદાવાદ, તા. ૯ :છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મોટી કંપનીઓમાં ભિષણ આગના બનાવ સતત વધી રહ્યા છે. અમદાવાદના ચાંગોદાર પાસે આવેલા મોરૈયા ગામ નજીકના આર્મેડ ફોર્મેશન નામની કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. સેનેટાઇઝ કેમિકલ કંપનીમાં ભીષણ આગના સમાચાર મળતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની ૧૩ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ પર બે કલાકથી વધુની જહેમત બાદ કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

આગ અંગેની મળતી માહિતી મુજબ સેનેટાઈઝ કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હોવાથી તેના પર કાબૂ મેળવવામાં સમય લાગ્યો હતો. આ કંપનીના માલિક જ્યોતિ કુમાર અગ્રવાલ છે. કંપનીમાં ૧૦ ટન આલ્કોહોલનો સંગ્રહ હતો. આગ પર કાબૂ મેળવવા માટે બે લાખ લિટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમજ આગને કાબૂમાં કરવા ફોર્મનો ઉપયોગ પણ કર્યો હતો. ફાયર સૂત્રો મુજબ આગ બહુ મોટી હતી. આ આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. જો કે બપોરના સાડા ત્રણ-ચાર વાગ્યાની આસપાસ લાગેલી આગ ભારે જહેમત બાદ સાંજના સાડા પાંચ વાગ્યે કાબૂમાં આવી હતી. અગાઉ ૨૪ જૂનના રોજ સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ડાયપર બનાવતી જાપાનીઝ કંપની યુનિચાર્મમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં તો આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ૪૦૦ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી સમગ્ર કંપની અને અંદર આવેલી બે ઓફિસ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે સાણંદની આસપાસના ૧૦ કિમી વિસ્તાર સુધી તેના ધુમાડા દેખાયા હતા.આ આગને કાબૂમાં લેવા માટે ૩૬ ફાયર ફાઇટરોએ ૬થી ૭ રાઉન્ડ દ્વારા કુલ ૪૦ લાખ લિટર પાણીનો મારો ચલાવ્યો હતો.

(9:50 pm IST)