Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

નવરાત્રિ રાસોત્સવને શરતી મંજુરીની વિચારણા

પ્રાચીન -અર્વાચીન રાસના ચાહકો માટે નીતિન પટેલનો ખુશખબર સમાન સંકેત

અમદાવાદ ,તા.૧૦: ગુજરાતમાં નવરાત્રિ તહેવાર આવવાની હજી વાર હોય ત્યાં તો ગરબાના રસિયાઓ કેટલાંય દિવસ અગાઉ પ્રેકિટસ શરૂ કરી દેતા હોય છે. આ સિવાય કોઇ પાર્ટી પ્લોટ કે કલબના પાસ મળશે કે નહીં તેની ચિંતા કરતા હોય છે. એવામાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ખેલૈયાઓમાં નવરાત્રિ થશે કે નહીં તેને લઇને અસમંજસની સ્થિતિ છે. ત્યારે તાજેતરમાં જ નવરાત્રિને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિયંત્રણો સાથે નવરાત્રિ યોજવાનો સંકેત કર્યો છે.

'હાલમાં નવરાત્રિના આયોજન અંગે સરકાર વિચાર કરી રહી છે. શકય તેટલી છૂટ મળે તે અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય યોગ્ય સમયે લેવાશે. પરંતુ એટલી હૈયા ધારણા રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને જ લેવાશે અને શકય તેટલી રાહત આપવા અંગે પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર ગાઇડલાઇન આધારિત સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રિ નજીક આવતા જ જાહેરાત કરશે.'

નીતિન પટેલના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે કદાચ કોરોના મહામારીમાં પણ રાજય સરકાર કોરોનાની ગાઇડલાઇન મુજબ કેટલીક છૂટછાટ સાથે નવરાત્રિના આયોજન માટેની પરવાનગી આપી શકે છે. આ ઉપરાંત પણ તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'ગુજરાતની નવરાત્રિ દેશ-દુનિયામાં જાણીતી છે. રાજયમાં ખેલૈયાઓ પણ નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા ઉત્સુક છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. જો કે હાલ રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે પણ ખૂબ જરૂરી છે.' સરકાર દ્વારા અમદાવાદમાં યોજાતા રાજ્યકક્ષાના વાઇબ્રન્ટ મહોત્સવની કોઇ તૈયારી દેખાતી નથી.

(2:56 pm IST)