Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ : અમદાવાદની શાળા દ્વારા #ItisOKtoFail અભિયાન શરૂ કરાયું

સાત દિવસ #ItisOKtoFail અભિયાન દ્વારા સમાજના વિવિધ વર્ગોને અનેક સંદેશા અપાશે

અમદાવાદ:  માનસિક આરોગ્યને લગતી ખોટી માન્યતાઓને તોડવા તથા તણાવગ્રસ્ત અને હતાશ લોકો સાથે સલાહ-મસલતને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે અમદાવાદ સ્થિત ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રને #ItisOKtoFail અભિયાન શરૂ કર્યું છે.

10મી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે લોન્ચ થનારું આ કેમ્પેઈન સાત દિવસ સુધી ચાલશે. સમગ્ર સપ્તાહ દરમિયાન શાળાના શિક્ષકો ઈશ્વરે આપેલા જીવનના મહત્વ અંગે તથા નિષ્ફળતાની ચિંતા કર્યા વિના જીવનમાં હકારાત્મકપણે આગળ વધવા અંગેનો સંદેશ આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમની અંગતપણે મળેલી નિષ્ફળતાઓ અને તેને ભૂલીને તેમણે મેળવેલી સફળતાની વાત રજૂ કરશે. પ્રેરણાત્મક લેખો અને રંગબેરંગી ચિત્રો દ્વારા હેશટેગ #ItisOKtoFail થકી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાની વાત રજૂ કરીને તેઓ આ અભિયાનમાં ભાગ લેશે.

આ પહેલ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ આઠ લાખ લોકો આત્મહત્યાના લીધે મૃત્યુ પામે છે. સફળતાને વધાવવી અને નિષ્ફળતાની હાંસી ઉડાવવી એ આજકાલ શિરસ્તો બની ગયો છે. હાલના સમયમાં દરેકના, ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં હકારાત્મકતા જગાવવી ખૂબ જ જરૂરી છે અને એટલે જ અમે આ પહેલ આદરી છે. સ્કૂલના મેનેજમેન્ટના સભ્યો તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમના અંગત જીવનમાં મળેલી નિષ્ફળતાઓ અને હકારાત્મક અભિગમ સાથે તેઓ કેવી રીતે આગળ વધ્યા તેની વાત રજૂ કરશે. હતાશ લોકોને તેમની નજીકના લોકોની હૂંફ અને સલાહ-સૂચનની જરૂર હોય છે. કોઈની નિષ્ફળતાની હાંસી ઉડાવીને તેને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા ન મળે તે જોવું પણ ખૂબ જ મહત્વનું છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)ના મતે વર્ષ 2018માં ભારતમાં 1.3 લાખ આત્મહત્યાના કેસો નોંધાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ જ વર્ષ દરમિયાન 10,159 વિદ્યાર્થીઓએ પોતાની જિંદગી ટૂંકાવી દીધી હતી. સરેરાશપણે વર્ષ 2018માં દરરોજ 28 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.

10મી સપ્ટેમ્બરથી એક અઠવાડિયા સુધી ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ સમાન જીવનના મહત્વ તથા નિષ્ફળતાથી ડરીને હતાશ ન થવા અંગે ઓનલાઈન શિક્ષણના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપશે. જેમને પરીક્ષામાં નાપાસ થવાનો ડર સતાવતો હોય તેવા વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમની સાથે ફોન અથવા વીડિયો કોલ દ્વારા સલાહ-મસલત પણ હાથ ધરાશે અને માર્ગદર્શન પૂરું પડાશે. વિદ્યાર્થીઓને ટીમ સ્પિરિટની ભાવના અને બીજા વિદ્યાર્થીની નિષ્ફળતાની મજાક-મશ્કરી કરીને તેને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા ન મળે તે અંગે પણ સમજ પૂરી પાડવામાં આવશે.

#ItisOKtoFail અભિયાન દ્વારા સમાજના વિવિધ વર્ગોને અનેક સંદેશા આપવામાં આવશે જેમ કે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવા, કોઈ સ્પર્ધામાં જીત ન મળવી, વેપાર-ધંધામાં નુકસાન જવું, નોકરી ગુમાવવી, સંબંધો તૂટવા જેવી બાબતો જીવનનો જ એક ભાગ છે પણ આવા કારણોસર જીવન ટૂંકાવી દેવા જેવું પગલું ભરવું યોગ્ય નથી તેના પર ભાર મૂકવામાં આવશે.

"આ વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે આવો સૌ મળીને એક પ્રતિજ્ઞા લઈએ કે કોઈ નજીવી નિષ્ફળતાના લીધે કોઈ વ્યક્તિને તેનું આત્મગૌરવ નહીં ગુમાવવા દઈએ. બે પેઢીઓ વચ્ચેના અંતરાયો દૂર કરીએ અને સંવાદનો સેતુ કેળવીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજા કોઈની નિષ્ફળતાની મજાક ન ઉડાવીએ. ઊલટું, આવી સ્થિતિમાં પોતાના સ્વજનોની પડખે રહીએ અને તેમની વાત સાંભળીએ. શક્ય છે કે હતાશ કે તણાવગ્રસ્ત વ્યક્તિની સાથે થોડોક સમય વીતાવવાથી તેને સાંત્વના મળે અને તેનામાં હકારાત્મક ઊર્જાનો સંચાર થાય", એમ ચોક્સીએ ઉમેર્યું હતું.

(1:25 pm IST)