Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદમાં વકિલની હત્‍યા માટે 22 લાખની સોપારી અપાઇઃ વકિલે પોતાની સુરક્ષા માટે હથિયારધારી સિક્‍યુરિટી ગાર્ડ 24 કલાક સાથે રાખ્‍યો

અમદાવાદ: જમીનની તકરાર એટલી હદે વધી કે આખરે ગુજરાત હાઈકોર્ટના વકીલના જીવને જોખમ ઉભુ થયું અને આરોપીઓએ વકીલની હત્યાની સોપારી આપી દીધી. આ અંગે ક્રાઈમ બ્રાંચે 5 આરોપી વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદની વિગત પર નજર કરીએ તો વકિલ હર્ષ સુરતી એ પ્રજ્ઞેશ પટેલ, નૈશલ ઠાકોર, સમ્રાટ ઉર્ફે સમો, હાર્દિક પટેલ અને યાશીનશા ફકીર વિરુધ્ધ ગુનો નોંધાવ્યો છે. જેમા પ્રજ્ઞેશે વકિલ હર્ષની હત્યાનું કાવતરૂ રચ્યું હતું અને હત્યા માટે રૂપિયા 22 લાખની સોપારી આપવામાં આવી હતી.

વકીલ હર્ષ સુરતીના ઘર પાસે આરોપીઓ દ્વારા રેકી કરવા માં આવી હતી. ત્યારે હર્ષ સુરતી પાસે એક ઓડિયો કલીપ પણ છે. જેમાં પાંચ પૈકી એક આરોપી યાશીનશા ફકીર અન્ય આરોપી  નૈશલ ઠાકોર સાથે ફોન પર વાત કરે છે અને હત્યાના કોન્ટ્રાકટ કિલિંગની વાત કરે છે. ત્યારે લોકોના ન્યાય માટે લડનાર જ અત્યારે ન્યાયની અપેક્ષા રાખી રહયા છે.

ત્યારે ખુદ વકીલ એટલા ડરી ગયા છે કે તેને પોતાની સુરક્ષા માટે ખાનગી હથિયારધારી એક સિક્યુરિટી ગાર્ડ રાખ્યો, જે 24 કલાક ફરિયાદી વકીલ હર્ષ સુરતી સાથે જ રહે છે.

મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ પણ તકરાર થઈ હતી. જે અંગે વેજલપુર, શાહપુર વગેરે પોલીસ મથકમા ફરિયાદો નોંધાઈ છે. અને આ કેસમાં બચવા માટે 22 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી. જેથી ફરિયાદીને પોતાના જીવનું જોખમ હોવાથી પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

(4:28 pm IST)