Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સુરતના ચોકબજાર વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતાની બજારમાં છેડતી કરી પરેશાન કરનાર રોમિયોને લોકોએ પોલીસે હવાલે કર્યો

સુરત: શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા ગત સવારે રાણીતળાવ ખાતે પતિ સાથે કરિયાણાની દુકાને ગઈ હતી ત્યારે લબરમુછીયાએ આવી હાથ પકડી મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો ચાલુ કરી દીધો હતો. છેલ્લા સાત માસથી પીછો કરી રહેલા 20 વર્ષીય લબરમુછીયાની કરતૂતને પગલે પરિણીતાએ બુમાબુમ કરતા દોડી આવેલા તેના પતિ અને અન્યોએ લબરમુછીયાને પકડી લાલગેટ પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ચોકબજાર સિંધીવાડ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય સકીના ( નામ બદલ્યું છે ) ગત સવારે આઠ વાગ્યે પતિ સાથે રાણીતળાવ મેઈન રોડ સ્થિત અસલમ ટ્રેડર્સમાં કરીયાણાની ખરીદી માટે ગઈ હતી. તેનો પતિ દુકાનમાં ગયો હતો અને તે દુકાનની બહાર ઉભી હતી ત્યારે તેનો છેલ્લા સાત માસથી મોટરસાયકલ ઉપર પીછો કરતો તેમજ તેને પકડવા જાય ત્યારે ભાગી છૂટતો એક લબરમુછીયો ત્યાં આવ્યો હતો અને સકીનાના ડાબા હાથનું કાંડુ પકડી લીધું હતું. સકીનાએ હાથ છોડાવતા લબરમુછીયાએ મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો ચાલુ કરી સકીનાને બતાવ્યો હતો અને ધમકી આપી હતી કે ચાલ મારી સાથે, નહીં તો હું તને તેમજ તારા પતિને મારી નાખીશ. જો કોઈને કહેશે તો પણ મારી નાખીશ. જોકે, સકીનાએ બુમાબુમ કરતા દુકાનમાંથી તેનો પતિ અને અન્યો દોડી આવ્યા હતા અને લબરમુછીયાને ઝડપી પાડી 100 નંબર ઉપર ફોન કરતા ત્યાં આવેલી લાલગેટ પોલીસને સોંપ્યો હતો.

(5:31 pm IST)