Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

દાહોદના સૂકાભઠ્ઠ ડુંગરો પર પહેલી વખત પાણીનો સંગ્રહ

વરસાદ બાદ પણ આ ડુંગરો સૂકાભઠ્ઠ રહેતા હતા : વન વિભાગ દ્વારા તલાવડી બનાવી પાણીનો સંગ્રહ કરવા અને જંગલ વિસ્તારને હરિયાળું બનાવવા કામ હાથ ધરાયું

દાહોદ,તા.૧૦ : દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરો પર પહેલા પાણીનો સંગ્રહ નથી થયો અને કેટલાય વરસાદ બાદ પણ ડુંગરો સૂકાભઠ્ઠ રહેતા હતા. સ્થાનિક વન વિભાગના એક પ્રયોગના કારણે હવે ડુંગરો લીલીછમ બન્યા છે. ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલી તસવીરોની સુંદરતા ઘણી નયનરમ્ય લાગે છે. ડુંગરોનાં વિસ્તારની જમીન પથરાળ છે. વન વિભાગ દ્રારા ડુંગરો ઉપર જમીન ધોવાણ અટકે તે માટે  તળાવડીઓ બનાવી પાણીનો સંગ્રહ થાય અને જંગલ વિસ્તારને હરિયાળું બનાવવા કામગીરી હાથ ધરાઇ છે. દાહોદ જિલ્લામાં સૂકા રહેતા ડુંગરોને પણ વનવિભાગ દ્રારા અનોખો પ્રયાસ કરી હરિયાળા બનાવવાની પહેલ કરવામાં આવી છે.

        દાહોદના લીમડાબરાના જંગલોમાં પહાડીઓ ઉપર વન વિભાગ દ્રારા વન તલાવડી, ચેકડેમ પ્રોટેકશન ટ્રેંન્ચ, માટી પાળા જેવી કામગીરી કરી હતી. જેથી ચોમાસામાં ડુંગરો ઉપરથી વહી જતું પાણીનો  સંગ્રહ કરી વિવિધ રોપાઓનું વાવેતર કરી સુક્કાભઠ્ઠ ડુંગરોને હરિયાળા બનાવવા માટે કામગીરી કરવામાં આવી છે. વિસ્તારની જમીન પથરાળ છે. જેમાં પાણીનું શોષણ નથી થતું એટલે પાણી ડુંગરો ઉપરથી નીચે વહી જતું હોય છે. જેથી વનવિભાગ દ્રારા લીમડાબરાના ૬૮ હેક્ટર વિસ્તારના જંગલમાં ડુંગરો ઉપર તળાવડી અને ચેકડેમ સહિતની કામગીરી કરી પાણીનો સંગ્રહ કરી ૪૯ હેકટર વિસ્તારમાં વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્રારા સૂકા ડુંગરોને હરિયાળા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે લોકોમાં ઘમી પ્રસંશા મેળવી રહી છે.

(7:44 pm IST)