Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

૨૩ બોગસ પેઢીઓના નામે રૂપિયા ૪૩૨.૫૧ કરોડના ગુડ્ઝની હેરાફેરી

સેન્ટ્રલ જીએસટી દ્વારા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશઃ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, મુંબઈમાં બોગસ પેઢીના વેપલાનો ઘટસ્ફોટ

વડોદરા, તા. ૧૦ :. શહેરની મકરપુરા જીઆઈડીસી સ્થિત મેસર્સ એમ.કે. ટ્રેડર્સના મુકીમ પઠાણની રૂ. ૭૩.૮૯ કરોડની કર ચોરીમાં સીજીએસટીની ટીમે ધરપકડ કરી હતી. સેન્ટ્રલ જીએસટીની તપાસમાં વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર, મુંબઈમાં ૨૩ બોગસ પેઢીઓના નામે વેપલાનો ઘટસ્ફોટ છે. કાગળ પરની પેઢીઓના નામે જીએસટીની ભરપાઈ કર્યા વગર રૂ. ૪૩૨.૫૧ કરોડના માલની ગેરકાયદે હેરાફેરી થઈ હોવાનું સપાટી પર આવ્યુ છે.

સેન્ટ્રલ જીએસટીની ટીમે બોગસ કંપનીઓ અને કર ચોરીની માહિતીને આધારે મકરપુરા જીઆઈડીસીની મેસર્સ એમ. કે. ટ્રેડર્સ ખાતે તપાસ કરી હતી. સીજીએસટીની ટીમે પ્રાથમિક તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે કર્યા હતા. આ ઉપરાંત સીજીએસટીની ટીમે ઈ-વે./જીએસટીએન પોર્ટલ પરથી કેટલીક માહિતી પણ એકત્ર કરી હતી. મેસર્સ એમ.કે. ટ્રેડર્સે ૨૩ બોગસ પેઢીઓનો ઉપયોગ કર્યો હોવાનું સપાટી પર આવ્યું હતું. બોગસ પેઢીઓના ઈનવોઈસ અને ઈવે બિલ પણ બનાવ્યાં હતા. જીએસટી ભરપાઈ કર્યા વગર કુલ રૂ. ૪૩૨.૫૧ કરોડના માલની ગેરકાયદે હેરાફેરી કરાઈ હતી. આ પેઢી દ્વારા કુલ રૂ. ૭૩.૮૯ કરોડની કર ચોરી કરી હોવાનું સેન્ટ્રલ જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું. મેસર્સ એમ.કે. ટ્રેડર્સ દ્વારા ઈનવોઈસ વગર માલ કિલયર કર્યો અને જીએસટીની ચુકવણી કરી ન હતી. સેન્ટ્રલ જીએસટી કાયદાની કલમ ૧૩૨ (૧) (એ) મુજબ મેસર્સ એમ.કે. ટ્રેડર્સના મુખ્ય વ્યકિત મુકીમ ઉર્ફે ભોલાભાઈ નુરમોહંમદ પઠાણ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. આ ગુનામાં સેન્ટ્રલ જીએસટીની ટીમે બે દિવસ અગાઉ મુકીમ પઠાણની ધરપકડ કરી હતી. ત્યાર બાદ મુકીમ પઠાણનો કોવિડ-૧૯ ટેસ્ટ કરાવાયો હતો. કોરોનાનો રિપોર્ટ બાદ મુકીમ પઠાણને અત્રેની કોર્ટમાં રજુ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં સેન્ટ્રલ જીએસટી, વડોદરા-૧ની ટીમની તપાસ ચાલુ છે.

૨૪૦ કરોડની કર ચોરી, ૮૩ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ

સેન્ટ્રલ જીએસટીની વડોદરા ઝોનની ટીમ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કર ચોરીના ૮૩ કેસ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ જીએસટીની ટીમે અત્યાર સુધી રૂ. ૨૪૦ કરોડની કર ચોરી સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

(10:28 am IST)