Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

આ જનતાનો વિજય છેઃ રૂપાણી

આ તો ૨૦૨૨નું ટ્રેલર છેઃ ભાજપ માત્ર જીત્યુ નથી ભવ્ય મતોથી જીત્યું છે

અમદાવાદ, તા.૧૦: ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકોમાં પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી વલણોમાં ભાજપ તમામ ૮ બેઠકો પર જીત તરફ આગળ વધ્યું રહી છે અને જીત પણ નક્કી છે. તો કોંગ્રેસના સૂપડા સાફ થતા નજરે પડી રહ્યા છે. તેવામાં હવે ભાજપે જીતના જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

પેટાચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે વિજય મહોત્સવ ઉજવાશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કમલમ પહોંચી રહ્યા છે. કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ છે. તો બીજી તરફ, કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. કોંગ્રેસ ભવન ખાતે સન્નાટો છવાયો છે. સવારથી બપોર સુધી એકપણ નેતા કે પદાધિકારી કોંગ્રેસ ભવન, પાલડી ખાતે દેખાયા નથી. ત્યારે હવે ભાજપની જીત પર મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે નિવેદન આપ્યા હતા.

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપની જીત પર મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, ૮ બેઠકો પર ખાલી જીત નહીં, ભવ્ય જીત મળી છે. ભાજપની જીતમાં કાર્યકરોની મોટી ભૂમિકા છે. પેટાચૂંટણી તો માત્ર ટ્રેલર છે, હજુ ૨૦૨૨ની વિધાનસભાની અને પંચાયતની ચૂંટણી બાકી છે. આ જનતાનો વિજય છે, PM મોદીના નેતૃત્વ પર જનતાએ વિશ્વાસ મુકયો છે. કોંગ્રેસે અનેક જૂઠ્ઠાણા ફેલાવ્યા હતા, પ્રજાએ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપી દીધો છે. ભાજપ માત્ર જીત્યુ નથી પણ ભવ્ય મતથી જીત્યું છે. પેટાચૂંટણી કોરાનાકાળમાં યોજાઇ હતી. જેમાં કચ્છી, આદિવાસી, સૌરાષ્ટ્ર, મુસ્લિમ અને પાટીદાર સહિત દરેક સમાજના લોકોએ ભારે મતદાન કર્યું છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપને જીત મળી એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ કરતા અનેક ગણા મત ભાજપને મળ્યા છે. જેનો અર્થ એ છે કે પ્રજામાં કોંગ્રેસ ખતમ થઇ ગઇ છે. મેં કહ્યું હતું કે છેલ્લો ખીલો ઠોકવાનો સમય આવી ગયો છે, તેવું જ થયું. કોંગ્રેસે અસંતોષ ફેલાવવાના અનેક પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહી અને પ્રજાએ કોંગ્રેસને બહુ મોટો જાકારો આપ્યો છે. કોંગ્રેસે છેલ્લા દિવસોમાં પણ અનેક ખોટા આક્ષેપો કર્યા હતા.

વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ભાજપ પર પ્રજાએ જે વિશ્વાસ મુકયો છે તે અપેક્ષાઓ પૂરી કરવા માટે સરકાર પ્રતિબદ્ઘ હશે. આવનાર દિવસોમાં ભાજપ લોકોના સપના સાકાર કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનની દિશામાં આગળ વધારવા પ્રજાએ મત ભાજપને આપ્યા છે.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિવેચકોને મતદારોએ જવાબ આપ્યો છે. અનેક વિવેચકોએ કહ્યું હતું કે, કોરોનામાં આ ચૂંટણીમાં મતદાન થશે નહીં, પરંતુ ભાજપને મતદાન થયું અને ભારે લીડ પણ મળી. આવનારા દિવસોમાં ભાજપના ૧૧૧ ધારાસભ્યોનું સંખ્યાબળ થયું છે.

(4:13 pm IST)