Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વડોદરા જેલમાં કેદી બંધુઓની મદદથી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતીનો પ્રારંભઃ સેન્‍દ્રીય ખાતરનું નિર્માણ

વડોદરા: કેદી સુધારણા અને કલ્યાણના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે. તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે, ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદથી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી.

હવે તેમાં વધુ આગેકદમના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રિય ખેતી શરૂ કરવામાં આવી છે. યાદ રહે કે ગુજરાત સરકારે સેન્દ્રિય ખેતી પ્રોત્સાહક નીતિ અમલમાં મૂકી છે ત્યારે આ સરકારી નીતિને સુસંગત પગલું છે. આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ કહ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિજન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણનું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રિય ખાતર બનાવવામાં આવી રહ્યું છે.

આમ કચરાના નિકાલની સરળતા થઈ છે અને કચરામાંથી કંચન જેવું ખાતર બની રહ્યું છે. આ ઉપરાંત કચરાની સાથે ગૌમૂત્ર, ગોળ, છાણ અને લોટના મિશ્રણથી પ્રવાહી સેન્દ્રિય ખાતર જીવામૃત બનાવવામાં આવે છે જે ખેતીને પોષક બની રહેશે. આમ આ પહેલથી જેલની ખેતી સાત્વિક અને શુદ્ધ બની છે. જેલની આ પહેલ પર્યાવરણ રક્ષણમાં પણ મદદરૂપ બનશે.

(5:23 pm IST)