Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લીંબડી બેઠક ઉપર ત્રીજી વખત ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ચૂંટણી જીતી ગયાઃ 31 હજાર મતથી ભવ્‍ય વિજય

અમદાવાદ: ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણી ઉપરાંત 11 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકો ઉપર પણ મતગણતરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ છે. જેમાં રાજ્યની આઠેય બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. આ 8 બેઠકો પર 81 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી. ત્યારે 3જી નવેમ્બરે યોજાયેલા મતદાનની આજે મત ગણતરી હાથ ધરાઇ હતી. જેમાં લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની 31,539 મત સાથે જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરની હાર થઇ છે. નોંધનીય છે કે, આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીતી ગયા છે. આ પહેલાં પણ તેમણે 1995 અને 2013માં પેટા ચૂંટણી જીતી હતી.

લીંબડીમાં ભાજપની જીતનું કારણ

અત્રે નોંધનીય છે કે, લીંબડી બેઠક પર ભાજપની જીતનું સૌથી મોટું કારણ કિરીટસિંહ રાણાનો બહોળો રાજકીય અનુભવ છે. જે ભારતીય જનતા પાર્ટીને ફળ્યો. આ બેઠક પરથી ભાજપ તરફી કોળી મતદારો અકબંધ રહ્યાં છે. કોંગ્રેસના નવા ચહેરા સામે મતદારો માટે ભાજપે નવો જ ચહેરો ઊભો કર્યો. લીંબડી બેઠક પરથી સોમાભાઇના રાજીનામાં બાદ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસે કોઇ પણ પ્રકારની રણનીતિ ન હોતી ઘડી. જેની આજે આ બેઠક પર અસર જોવા મળી રહી છે.

આ બેઠક પર કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના એક ઉમેદવાર, કોંગ્રેસના એક ઉમેદવાર અને ત્રીજા Akhil Bharatiya Rajarya Sabha પક્ષના એક ઉમેદવાર તેમજ 11 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

પેટાચૂંટણી માટે સૌથી વધુ 14 ઉમેદવારો સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પરથી છે. જ્યારે સૌથી ઓછા 4 ઉમેદવારો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પરથી નોંધાયા છે. આ સિવાય બોટાદ જિલ્લાની ગઢડા અને મોરબી વિધાનસભા બેઠક પર 12-12 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઊતર્યા છે.

લીંબડી બેઠકનો રાજકીય ઈતિહાસ

લીંબડી બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 18 વર્ષથી એક ચૂંટણી ભાજપ જીતે અને એક કોંગ્રેસ જીતે છે. આ બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાનો દબદબો રહ્યો છે. આ બેઠક પર કુલ 15માંથી 8 ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી છે, જ્યારે 6 ચૂંટણીમાં ભાજપને સફળતા મળી છે. કિરીટસિંહ રાણા 4 વખત ચૂંટણી જીત્યા છે અને ત્રણ વખત ચૂંટણી હારી ચૂક્યાં છે. આ બેઠક પર તળપદા અને ચુંવાળિયા કોળીનો પ્રભાવ રહેલો છે. સોમાભાઈના રાજીનામા બાદ લીંબડી બેઠક ખાલી પડી હતી.

લીંબડી બેઠક પર છેલ્લી 5 ચૂંટણીમાં કોણ જીત્યું કોણ હાર્યું?

2002: કોંગ્રેસમાંથી ભવાન ભરવાડની જીત

2007: કિરીટસિંહ રાણાની જીત

2012: કોંગ્રેસના સોમાભાઈ સફળ રહ્યાં

2013: પેટા ચૂંટણી કિરીટસિંહ જીત્યા

2017: કોંગ્રેસના સોમાભાઈની જીત

(5:25 pm IST)