Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશને કોર્ટના આદેશ બાદ ૬૭ વર્ષ પછી મહિલાને આપ્યો જન્મનોîધનો દાખલોઃ જન્મ વખતે નોîધ નહીં કરાવવાથી આમ બન્યુ

અમદાવાદ: જન્મના લગભગ 67 વર્ષ બાદ મહિલાને તેનો જન્મનો દાખલો મળશે. અમદાવાદની કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 67 વર્ષીય મહિલાને તેમનો જન્મનો દાખલો કાઢી આપવાનો આદેશ કર્યો છે. મહિલાના જન્મના વખતે તેના નામની નોંધણી જન્મ અને મરણ વિભાગમાં થઈ શકી નહિ અને હવે પાસપોર્ટ માટે જન્મનો દાખલો જરૂરી હોવાથી મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરેલા નિર્દેશમાં લેટ ફી વસુલ્યા બાદ અરજદારને તેમની પુત્રી ભાવનાબેન મહેતાના નામનો જન્મનો દાખલો જારી કરવાનો આદેશ કર્યો છે. ભાવનાબેન મહેતાનો જન્મ વર્ષ 1953માં થયો હતો જોકે એ વખતે તેમના માતા-પિતા દ્વારા જન્મ-મરણ વિભાગમાં નોંધણી કરાવવાનું રહી ગયું હતું.

અરજદાર તરફે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ભાવનાબેન મહેતાનો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, સ્કૂલનો ફોરવડિંગ લેટર, સ્કૂલના રજીસ્ટર જનરલ અને અન્ય દસ્તાવેજોને કોર્ટમાં પુરાવવા તરીકે રજૂ કર્યા હતા. આ તમામ દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાવનાબેન મહેતાનો જન્મનો દાખલો કાઢવાનો આદેશ કર્યો હતો.

90 વર્ષીય અરજદાર વીરુબેન મહેતાએ તેમની પુત્રી ભાવનાબેન મહેતાના પાસપોર્ટ બનાવવા માટે જન્મના દાખલાની જરૂર હોવાથી જન્મ દાખલો કાઢવાના નિર્દેશની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી હતી. કોર્ટે સીઆરપીસીની કલમ 269ને ધ્યાનમાં રાખીને તેમના સોગંદનામાંને પણ માન્ય રાખ્યા હતા.

જન્મ અને મરણ નોંધણી કાયદા 1969 પ્રમાણે જન્મના 21 દિવસ સુધીમાં તેની નોંધણી કરાવી ફરજીયાત છે. 21 દિવસ બાદ જન્મની નોંધણી કરાવી તેને લેટ નોંધણી માનવામાં આવે છે. જન્મના 21 દિવસ બાદ અને 30 દિવસ સુધીમાં નોંધણી કરાવવા બદલ બે રૂપિયા લેટ ફી ભરવી પડે છે. જ્યારે જન્મના 30 દિવસથી એક વર્ષ સુધીના સમયગાળામાં નોંધણી કરાવવા માટે સોગંદનામું અને 5 રૂપિયા લેટ ફી ભરવી પડે છે. જન્મના 1 વર્ષ બાદ જો જન્મની નોંધણી કરાવવામાં આવે તો 10 રૂપિયા લેટ ફી અને કોર્ટની પરવાનગી બાદ જ જન્મનો દાખલો જારી કરવામાં આવે છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે ભાવનાબેન મહેતાનો જન્મ વર્ષ 1953માં અમદાવાદના ખાડીયા વિસ્તારમાં થયો હતો અને એ સમયે તેમના માતા-પિતાએ જન્મની નોંધણી કરાવી નહિ અને ત્યારપછી લગભગ 67 વર્ષ બાદ 2020માં પાસપોર્ટ કઢાવવા માટે જન્મના દાખલાની જરૂર હોવાથી એ મેળવવા માટે તેમની માતા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

(5:42 pm IST)