Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ડાંગ બેઠક ઉપર કોગ્રેસના ઉમેદવાર સુર્યકાંત ગાવીતની ભાજપના વિજય પટેલ સામે કારમી હારઃ ભાજપના ઉમેદવાર ૫૯૫૦૪ મતની જંગી સરસાઇથી વિજેતા બન્યા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તમામ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થયા છે. જ્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ડાંગ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજય પટેલની 59,504 મત સાથે જંગી સરસાઈ જીત થઈ છે. જેથી ડાંગ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનો ભાજપના ઉમેદવાર વિજય પટેલ સામે કારમો પરાજય થયો છે.

ડાંગ બેઠક પર મત ગણના માટે આહવા સરકારી કોલેજમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને જોતા ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ સાથે વહેલી સવારથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મત ગણતરી મથકોની આસપાસ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 3 નવેમ્બરે ગુજરાત વિધાનસભાની અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ 8 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ સિવાય બિહાર વિધાનસભાની 243 બેઠકો ઉપરાંત અન્ય રાજ્યોની 54 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. જેમાં મોટાભાગની તમામ બેઠકો પર ભાજપ વિજય ભણી આગળ વધી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી એટલા માટે પણ ખાસ છે કારણ કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં ભળી ગયા છે. જેના કારણે 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. ભાજપે કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા ધારાસભ્યો પૈકી 5ને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યાં હતાં. જ્યારે વિપક્ષ કોંગ્રેસે પક્ષપલટુ અને ગદ્દાર નેતાઓને જાકારો આપવાનો પ્રજાને આહવાન કર્યું હતું.

અંતિમ 5 ચૂંટણીમાં ડાંગમાંથી કોણ જીત્યું?

1990 જનતા દળમાંથી મધુભાઈની જીત

1990થી 2002 સુધી મધુભાઈ ભોય ધારાસભ્ય રહ્યાં

2007: ભાજપના વિજય પટેલ વિજેતા થયા હતાં

2012: કોંગ્રેસમાંથી મંગળ ગાવિતની જીત

2017: કૉંગ્રેસમાંથી મંગળ ગાવિતની જીત

ડાંગ બેઠકનો રાજકીય ઈતિહાસ

ડાંગ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. ત્યારે 2017માં માત્ર 768 મતથી ડાંગમાં કોંગ્રેસની જીત થઈ હતી. અત્યાર સુધીમાં માત્ર આ એક જ બેઠક પર ભાજપને જીત મળતી હતી. આ બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મંગળ ગાવિત ચૂંટાયા હતાં. છેલ્લી 6 ચૂંટણીમાંથી 5 ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે વર્ષ 2007માં ભાજપના વિજય પટેલ ચૂંટાયા હતાં.

(5:44 pm IST)