Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોંગ્રેસના કાર્યકરોએ નિરાશ થવાની જરૂર નથી, લોકશાહીને બચાવવા આપણે લડત લડતા રહીશું.

ભાજપે રાજ્યસભાની એક બેઠક જીતવા માટે પેટાચૂંટણી થોપીઃ હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશું : અમિત ચાવડા

અમદાવાદ : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આઠ બેઠકોની પેટાચૂંટણીના પરિણામ પછી જણાવ્યું હતું કે અમે વિજેતા ધારાસભ્યોને અભિનંદન પાઠવીએ છીએ,આ પરાજયથી કોંગ્રેસના કાર્યકરોએ નિરાશ થવાની જરૂર નથી. લોકશાહીને બચાવવા આપણે લડત લડતા રહીશું.તેમણે કહ્યું હતું કે આ પેટાચૂંટણી આવી નથી લાવવામાં આવી છે, ભાજપે રાજ્યસભાની ફક્ત એક બેઠક જીતવા માટે આ ચૂંટણી લોકો પર થોપી છે. ગુજરાતના લોકો બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. એક રીતે જોઈએ તો આ આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાઈ તે આ આઠ મતવિસ્તારના લોકો સાથે થયેલો દ્રોહ છે. હવે લોકોનો ભાજપ સામેનો આ આક્રોશ મતમાં કેમ પરિણમ્યો તેનો અભ્યાસ કરીશું

ચાવડાએ જણાવ્યું હતું કે પક્ષપલ્ટો કરનારને લોકો જવાબ આપશે તેવી આશા હતી. લોકશાહી અને બંધારણને બચાવવા લડતા રહીશું. કોંગ્રેસના કાર્યકરોને હું સલામ કરુ છુ. મતદારોએ પણ જે પણ મદદ કરી તે માટે તેમનો આભારી છું. કોંગ્રેસ સત્તા માટે ક્યારેય કામ કરતી નથી. તે સિદ્ધાંતો માટે કામ કરે છે. પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ. આગામી સમયની રણનીતિ પર વિચાર કરીશું. હારના કારણોનો વિગતવાર અભ્યાસ કરીશું.

તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ ઉમેદવાર સારી પ્રતિભા ધરાવતા હતા. ભાજપના ઉમેદવારો પક્ષપલટો કરનારા હતા. ભાજપની સામ, દામ, દંડ અને ભેદની નીતિ રહી છે. ભાજપે નાણાનો દૂરુપયોગ કર્યો છે. કોંગ્રેસના આગેવનાનોી ટીમ સ્પિરિટથી પ્રચારમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા સમર્થ હતા. પ્રજાનો જનાદેશ સર્વોપરી હોય છે. લોકોના મતને વેચનારાઓની જીત થઈ છે.

કોંગ્રેસના પરાજય પર હાર્દિકે જણાવ્યું હતું કે હાર-જીતના લીધે વેપારીઓ પક્ષ બદલે છે. લડીશ, જીતીશ અને અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ. વિચારધારાને અનુસરનારાઓ ક્યારેય પક્ષ ન બદલે.

(6:37 pm IST)