Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કુબેરનગરમાં પ્રેમ કોમ્પ્લેક્સ ધરાશયી થતા મૃત્યુ પામેલા પુત્રનો કેસ પાછો ખેંચવા ઘમકી : પિતાએ જાહેરમાં અગ્નિસ્નાન કર્યું

બિલ્ડર સહિતના લોકોએ ધાકધમકી આપતા મૃતક યુવકના પિતાએ જાહેરમાં અગ્નિસ્નાન કરીઆત્મહત્યા કરી

અમદાવાદ : કુબેરનગરમાં પ્રેમ કોમ્પ્લેક્સ ધરાશયી થતા કાટમાળ નીચે દટાયેલા ત્રણમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ કેસ પરત લેવા બિલ્ડર સહિતના લોકોએ ધાકધમકી આપતા મૃતક યુવકના પિતાએ પણ જાહેરમાં અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી હતી. બનાવ અંગે સરદારનગર પોલીસે આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ કુબેરનગરનું પ્રેમ કોમ્પ્લેક્સ ગત તા. 28-8-2020ના રોડ ધરાશયી થતાં ત્રણ યુવકો બિલ્ડિંગના કાટમાળ નીચે દટાયા હતા. જેમાં પ્રેમ ઉર્ફ સોનુ સંતોષભાઈ ચારણ (ઉં,23)નું કરૂણ મોત નીપજ્યું હતું. પ્રેમ માર્કેટ કોમ્પ્લેક્સ બે શખ્સોની બેદરકારીને કારણે પડ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ મામલે બેદરકારીનો ગુનો દાખલ ના થાય તે માટે કોમ્પ્લેક્સના બિલ્ડર સહિતના લોકો મૃતકના પરિવારને કેસ ના કરવા માટે ધાકધમકી આપતા હતા.

આ ધમકીઓથી તંગ આવી ગઈ મૃતક પ્રેમ ઉર્ફ સોનુ ચારણના પિતા સંતોષભાઈએ સોમવારે શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સરદારનગર પોલીસે મૃતક સંતોષભાઈનું અગાઉ નિવેદન લીધું હતું. જેમાં પુત્ર પ્રેમ ઉર્ફ સોનુના મોત અંગે તેઓએ કરેલી પોલીસ કાર્યવાહી પાછી ખેંચી લેવા માટે બિલ્ડર સહિતના આરોપીઓ દબાણ કરતા હતા.

સરદારનગર પોલીસે પ્રેમ ઉર્ફ સોનુના મોત અંગે ગંભીર બેદરકારી દાખવનાર નારાયણભાઈ ઘનશ્યામભાઈ રાયચંદાની રહે, ન્યુબંગલા એરિયા, ઇન્દ્રસિંઘ સરદારની ગલી,કુબેરનગર અને કનૈયાલાલ કમલભાઈ ચારણ રહે, ગાયત્રી સ્કૂલની બાજુમાં,ચારણવાસ, કુબેરનગર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

પ્રેમ માર્કેટ ધરાશયી પ્રકરણમાં પોલીસ કેસ ના કરવા માટે ધાકધમકી આપતા આરોપીઓના ત્રાસથી મૃતક પ્રેમના પિતા સંતોષભાઈએ આત્મહત્યા કરી હતી. જે મામલે સંતોષભાઈએ ધાકધમકી આપતાં આરોપીઓ વિરુદ્ધ પોલીસે આત્મહત્યા માટે દુષપ્રેરણ આપવાનો ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપી તરીકે ઘનશ્યામ મંગારામ રાયચંદાની, ઘનશ્યામ કુલરવાળો, હરેશ ટ્રાવેલ્સવાળો અને મયુર ટેલરવાળાનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ જુદી જુદી બે ફરિયાદો નોંધી કાર્યવાહી કરી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(6:53 pm IST)