Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

વડોદરા :મિલકત વેચવા ધાર્મિક ઓળખ છુપાવનાર સામે 16 ડિસેમ્બર સુધી પગલાં નહીં લેવાનો હાઈકોર્ટનો હુકમ

અશાંતધારા હેઠળ આવતી મિલકત વેચવાની મંજૂરી મેળવવા કરેલી અરજીમાં બોગસ દસ્તાવેજ અને ધર્મ છુપાવવાના આરોપ : હાઇકોર્ટે નોટિસ આ[પી જવાબ માંગ્યો

વડોદરાના વાસણા રોડ પર આવેલી સમર્પણ સોસાયટી અશાંતધારા વિસ્તારમાં આવતી હોવા છતાં પારસી સમુદાયના ફિરોઝી કોન્ટ્રાકટ અશાંતધારા હેઠળ આવતી મિલકત વેચવાની મંજૂરી મેળવવા કરેલી અરજીમાં બોગસ દસ્તાવેજ અને ધર્મ છુપાવવાના આક્ષેપ પરની FIRમાં ધરપકડ ટાળવા માટે દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પોલીસને અરજદાર સામે 16મી ડિસેમ્બર સુધી કોઈ પગલાં ન લેવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે ફિરોઝી કોન્ટ્રાકટર દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીમાં પોલીસને નોટીસ પાઠવીને 16મી ડિસેમ્બર સુધીમા જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે અને આગામી આદેશ સુધી અરજદાર સામે કોઈપણ પ્રકારના પગલાં ન લેવાનો હુકમ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 16મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

વડોદરાની સમર્પણ સોસાયટીના ચેરમેન મનીષ મલ્હોત્રા દ્વારા જે.પી. રોડ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે અશાંતધારા હેઠળ મિલકત વેચવા માટે ડેપ્યુટી કલેકટર સમક્ષ જે અરજી કરવામાં આવી છે તેમાં પારસી યુવક ફિરોઝી કોન્ટ્રકટર તેના ધર્મનો ઉલ્લેખ કર્યો નથી અને ખોટા સરનામું રજૂ કર્યું છે અને તેના આધારે અશાંતધારા હેઠળ વેચાણની મંજૂરી મેળવી છે. આ મંજૂરીના આધારે મુસ્લિમ યુવાન ફિરોઝ પટેલ સાથે વેચાણ કરાર કરાયો છે. અશાંતધારા વિસ્તારમાં આવતી મિલકત વેચવા અંગે ડેપ્યુટી કલેકટર પાસેથી મંજૂરી લેવી પડે છે

વર્ષ 2015માં જ્યારે આરોપી – અરજદાર ફિરોઝી કોન્ટ્રાકટર સમર્પણ સોસાયટીમાં દશરથલાલ પંચાલ પાસેથી મિલકત ખરીદી હતી ત્યારે કલેકટર સમક્ષ મંજૂરી મેળવવા માટે કરાયેલી અરજીમાં ધર્મ પારસી બતાવ્યો હતો. સોસાયટીના ચેરમેન દ્વારા ફિરોઝી પટેલને NOC સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. અશાંતધારાના કાયદા મુજબ આ વિસ્તારમાં આવતા લોકો જો અન્ય ધર્મના લોકોને મકાન કે સંપત્તિ વેચે ત્યારે કલેકટર પાસેથી મંજૂરી લેવા પડે છે.

અગાઉ વડોદરા સેશન્સ કોર્ટે આરોપી-અરજદાર ફિરોઝી કોન્ટ્રકટરની આગોતરા જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે ફિરોઝી કોન્ટ્રકટરે ધર્મ નહિ દર્શાવી અને બોગસ દસ્તાવેજ કલેકટર સમક્ષ રજુ કરી સત્તાધીશોને ગેરમાર્ગે દોર્યા છે જેથી તેમને હાલ આગોતરા જામીન આપી શકાય નહીં. આ કેસમાં કસ્ટડીયલ તપાસની જરૂર હોવાથી આગોતરા જામીન આપી શકાય નહિ.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વડોદરાના વાસણ રોડ પર આવેલી સમર્પણ સોસાયટી અશાંતધારા વિસ્તારમાં આવે છે અને અરજદારે ફિરોઝી કોન્ટ્રાકટ મિલકત વેચવા માટે કલેકટર સમક્ષ કરેલી અરજીમાં પોતાનો ધર્મ છુપાવ્યો હતો અને ત્યારબાદ કલેકટર તરફથી મળેલી મંજુરીના આધારે મુસ્લિમ યુવાન ફિરોઝ પટેલને મિલકત વેચી દેતા તેમની સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને અન્ય કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

(6:57 pm IST)