Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને કાર્યકર્તાએ ખુશી ઉજવી

કરજણમાં અક્ષય પટેલની ભવ્ય જીત : ૫૦ ટકા મતોની ગણતરી બાદ જ ભાજપ ઉમેદવારે મોટી સરસાઇ મેળવતા ભાજપમાં ખુશીનો માહોલ છવાઇ ગયો

ગાંધીનગર,તા.૧૦ : ગુજરાત વિધાનસભાની કરણ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. ૫૦ ટકા ઉપરાંત મતોની ગણતરી બાદ ભાજપાના ઉમેદવારે મોટી સરસાઇ મેળવતા ભાજપમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા હતા. અક્ષય પટેલે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને હરાવ્યા હતા. મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અબીલ ગુલાલની છોળો ઉડાડીને તથા ઢોલ-નગારાના તાલે વિજયને વધારવામાં આવ્યો હતો. તો નવનિયુક્ત શહેર પ્રમુખ ડો.વિજય શાહ પણ ઉજવણીમાં સામેલ થયા હતા. જોકે, ભાજપના કાર્યકર્તાઓ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાને ભૂલ્યા હતા. ગુજરાત વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ છે, આવામાં તમામ બેઠકોમાં સૌથી વધુ ચર્ચામાં કરજણ બેઠક રહી હતી. મતદારોની રૂપિયાથી ખરીદવાથી લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા સુધીની ઘટનાઓથી બેઠક વિવાદમાં રહી છે. જેના ચૂંટણીપંચે તપાસના આદેશ પણ આપ્યા હતા.

વડોદરાની પોલિટેકનિક કોલેજમાં કરજણ બેઠકની મતગણતરી પૂરી થઈ હતી. કોંગ્રેસમાંથી અહી કિરીટસિંહ રાણા મેદાનમાં હતા, તો ભાજપે કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર અક્ષય પટેલની મેદાનમાં ઉતાર્યા હતા. શરૂઆતી ટ્રેન્ડમાં બેલેટ પેપર ની ગણતરી માં કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા હતા, તો બાદમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના ઝોળીમાં જીત આવી હતી. કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં આજે મતગણતરી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ પોતાના જીતની આશા વ્યક્ત કરી હતી. તેઓએ મતગણતરી પહેલા કહ્યું હતું કે, ૧૫૦૦૦ મતથી મારી જીત થશે. કરજણના મતદારોએ ગદ્દાર અક્ષય પટેલને જાકારો આપ્યો છે. મારી જીત બાદ હું કરજણના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવીશ.

(7:45 pm IST)