Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કપરાડા પેટા ચૂંટણીમાં ભાજપના જીતુભાઇ ચૌધરીનો જંગી વિજય

(કાર્તિક બાવીશી) વલસાડ : કપરાડા પેટા ચૂંટણીમાં આજરોજ પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીનો 47,066 મતથી જંગી વિજય થયો હતો. જેને લઇ વલસાડ જિલ્લો હવે કોંગ્રેસ મુક્ત બની ગયો છે. કોંગ્રેસ દક્ષિણ ગુજરાતની તેમની બચેલી એક માત્ર કપરાડા બેઠક પણ સાચવી શકી ન હતી. 

કપરાડાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરા ખરીનો જંગ હતો. જેમાં બંને પક્ષે પક્ષ પલટુ ઉમેદવારો હતા. આજરોજ મતગણતરીમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપના જીતુ ચૌધરીને 1,12,941 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના બાબુ પટેલ ઉર્ફે વરઠાને 65,875 મત મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલને 5,301 જ મત મળ્યા હતા. આ ચૂંટણીમાં નોટાને 4,520 મત મળ્યા હતા. જ્યારે છેલ્લા નંબરે અપક્ષ ઉમેદવાર જયેન્દ્ર ગાંવિતને 2,776 મત જ મળ્યા હતા. 

આ પેટા ચૂંટણીમાં ભાજપનો જંગી મતે વિજય થયો હતો. કપરાડા મત વિસ્તારમાં તમામ સ્થળોએ ભાજપ આગળ રહી હતી. ત્યારે જીતુભાઇને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવાની ભાજપની રણનીતિ સફળ રહી હોવાનું જોવા મળ્યું છે.

(8:40 pm IST)