Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ટેકનિકલ ખામી:ઘોઘા-હજીરા ફેરી શરૂ થયાના ત્રીજા દિવસે જ બંધ પડી ગઈ

આજે બપોરે 12 વાગ્યે ઘોઘાથી ઉપડે તે પહેલા ખોટકો આવતા ટ્રીપ કેન્સલ, 6 કલાક મુસાફરો રઝળ્યાં: સાંજે 5 વાગે ટ્રીપ કેન્સલ કર્યાની શિપ મેનેજમેન્ટ વિભાગે જાહેરાત કરતા મુસાફરો રોષ સાથે પોતાના ઘરે પરત ફર્યા.

સુરત :વડાપ્રધાને જેને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેવી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ તેના પ્રારંભના ત્રીજા દિવસે બંધ પડી ગઈ છે. આ ફેરી સર્વિસના ભવિષ્યને લઈ મુસાફરોમા અનેક પ્રકારની શંકાઓ ઉપજી છે. જેમાં ફેરી સર્વિસના પ્રારંભના ત્રીજા દિવસે શીપમાં ખામી સર્જાતા આ શિપ કે જે આજે બપોરે 12 વાગે ઘોઘાથી હજીરા તરફ જવાનું હતું. પરંતુ 6 કલાક મુસાફરો રઝળી પડ્યા બાદ સાંજે 5 વાગે કેન્સલ કર્યાની શિપ મેનેજમેન્ટ વિભાગે જાહેરાત કરતા મુસાફરો રોષ સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા. મુસાફરો 11 વાગ્યાથી જ ઘોઘા ટર્મિનસ પહોંચી ગયા હતા

 

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ એવા રો-પેક્સ ફેરી સર્વિસ સાચા અર્થમાં ક્યારે સાકાર થશે તેવા ઉદગારો મુસાફરોના મોઢેથી નીકળવા અને એ પણ જ્યારે ફેરી સર્વિસના પ્રારંભને માત્ર 48 કલાક જ વીત્યા છે. આ ફેરી સર્વિસના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે. રવિવારે શરૂ થયેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં 48 કલાકમાં જ ખામી સર્જાઈ છે. જેમાં આ શિપ બપોરે 12 વાગે ઘોઘાથી રવાના થવાનું હતું. લોકો રો-પેક્સ ફેરીમાં દરિયાઈ મુસાફરીનો આનંદ માણવા 11 વાગે ઘોઘા ટર્મિનસ પહોંચી ગયા હતા. પરંતુ શિપમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. લાઈટ પણ શિપમાં બંધ રહેતા એસી સહિતની સુવિધાઓ અટકી પડતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.શિપ મેનેજમેન્ટ દ્વારા મુસાફરોને સંતોષકારક જવાબ ન મળ્યો
આ અંગે ટીકિટ બારી અને શિપ પર મુસાફરો દ્વારા શિપ ક્યારે રવાના થશે તે અંગે શિપ મેનેજમેન્ટને પૂછવા છતાં શિપક્યારે ઉપડશે તે અંગે સંતોષકારક જવાબ ન આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને મહિલાઓ અને બાળકોને પાણી જેવી સામાન્ય સેવા શિપમાંથી ન મળી હોવાનું જણાવ્યું હતું. તેમજ 6 કલાક બાદ શિપની ટ્રીપ કેન્સલ કરી હોવાનું જાહેર કરતા મુસાફરો ભારે રોષ સાથે પોતાના ઘરે પરત જવા રવાના થયા હતા. જ્યારે હજુ બે દિવસ આ ફેરી સર્વિસ બંધ રહે તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે.

(11:09 pm IST)