Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચૂંટણીમાં ભાજપના પેજ સમિતિના સભ્યો સપાટો બોલાવશે : વિક્રમજનક જીત થશે: ‘સરપંચ-સંવાદ’ માં પાટીલનો વિશ્વાસ

સરકારની વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળે તે દિશામાં સરપંચોને વિશેષ ભાર મુકવા પાટીલે આહવાન કર્યું

ગાંધીનગર: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના વિવિધ જિલ્લાઓના સરપંચો સાથે સંવાદની શૃંખલા શરૂ કરી છે. જે અંતર્ગત શંખલપુર , જૂનાગઢ અને અમરેલી ખાતે સફળ કાર્યક્રમના આયોજન બાદ નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના સરપંચો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરખાઈ ખાતે ‘સરપંચ-સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

 આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા પ્રમુખ ભુરાભાઇ શાહ, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ડાંગ જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ, તેમજ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સ્થાનિક ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સરપંચોને પ્રધાનમંત્રી  મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની 375થી વધુ અને મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની રાજ્ય સરકારની અનેક પ્રજાલક્ષી યોજનાઓની માહિતી હવે ઘરે બેઠા આંગળીના ટેરવે મેળવવા માટે ‘વ્હોટ્સએપ હેલ્પડેસ્ક’ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૦૨૬૧-૨૩૦૦૦૦૦ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને વ્હોટ્સેપમાં ‘hi’ મેસેજ કરવાથી મેસેજ આવશે જેનો રીપ્લાય પોતાના નામ અને વિધાનસભા ક્ષેત્રના નામ સાથે કરીને ત્યારબાદ ‘0’(ઝીરો) લખીને મોકલવાથી સરકારની યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે.

જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલવાથી જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે. આદર્શ ગામની કલ્પનાને સાકાર કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે કોઈપણ નાગરિકને સરકારને મળવાપાત્ર તમામ યોજનાઓનો લાભ મળે તે સૌ સરપંચો સુનિશ્ચિત કરે.

 

પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ગામડામાં વસતા નાગરિકો માટે કોઈ નક્કર યોજનાઓ જ ન હતી, પરંતુ આજે ભાજપના શાસનમાં ખેડૂતો, મહિલાઓ, દિવ્યાંગો, વૃદ્ધો, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો માટે અનેક યોજનાઓ કાર્યરત છે. સરપંચો અને ભાજપના કાર્યકર્તાઓ ભાજપ સરકારની અનેકવિધ જનકલ્યાણની યોજનાઓનું ભાથું વ્હોટ્સેપ હેલ્પડેસ્કથી સરળતાથી જનજનને ઉપલબ્ધ કરાવે. ગામમાં પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વિધવા પેન્શન યોજના, દિવ્યાંગો, વિધાર્થીઓને લગતી યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળે તે દિશામાં સરપંચોને વિશેષ ભાર મુકવા પાટીલે આહવાન કર્યું હતું.

પાટીલે જણાવ્યું હતું કે, આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદીના મજબૂત, વિશ્વસનીય અને સક્ષમ નેતૃત્વનું છે અને બીજું બ્રહ્માસ્ત્ર પેજ કમિટી છે. મોદી અને રૂપાણી સરકારની જનહિતની કામગીરી અને પેજકમિટીને કારણે ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ડાંગ અને કપરાડા બેઠકમાં કોંગ્રેસે પોતાના સુવર્ણકાળમાં પણ ન મેળવી હોય તે પ્રકાર ભવ્ય લીડ સાથેની જીત ભાજપના ઉમેદવારોને મળી છે. તમામ આઠેય બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના પેજ સમિતિના સભ્યો સપાટો બોલાવશે, ભાજપને વિક્રમજનક જીત હાંસલ થશે તેવો મને વિશ્વાસ છે. નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા ભાજપના કાર્યકર્તાઓને હરાવવાની કોંગ્રેસની કોઈ તાકાત નથી.

પાટીલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય અને મહિલાઓ વિશે ચિંતીત રહી કાર્ય કરતા રાજુલબેન દેસાઈનો પણ હું આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કરું છું. અગાઉ નવસારી મતવિસ્તારમાં સાંસદ સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વર્ગ અને ક્ષેત્રના નાગરિકો સાથે સંવાદના 19 પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું જેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે આજે ગામે ગામ આપણી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે તે માટે નિસ્વાર્થ ભાવે સેવાના ભાવથી કાર્ય કરતા લિપિબેન ખંધાર કે, જેમણે આ સરપંચ સાથે સંવાદના વિશિષ્ટ કાર્યક્રમ કરવાનો વિચાર આપ્યો તેમને હું અભિનંદન આપું છું.

(8:48 pm IST)