Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઠંડીમાં ઘટાડો, પવનની ગતિ ધીમી પડશે : અશોકભાઈ પટેલ

બુધવારથી ન્યુનતમ તાપમાન નોર્મલ કે તેનાથી આંશિક વધારે, તા.૧૩-૧૪ અને ૧૬ (બુધ-ગુરૂ-શનિ)ના સૌરાષ્ટ્રના સિમિત વિસ્તારોમાં ઠંડીનો આંશિક ચમકારો : તા.૧૫ થી ૧૭ (શુક્રથી રવિ) લઘુતમ તાપમાન ફરી નોર્મલ તરફ પહોંચી જશે : તા.૧૨ થી સવારનો ભેજ પણ ઘટશે

હાલ રાજકોટમાં નોર્મલ ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી અને દિવસનું તાપમાન ૨૮ થી ૨૯ ડિગ્રી ગણાય : આજથી ભેજનું પ્રમાણ પણ ઘટવા લાગશે : ૧૨મીથી પવનની ઝડપ પણ ઘટી જશે : પવનો મુખ્યત્વે ઉત્તરાર્ધના ફૂંકાશેઃ ગુજરાતના અમુક વિસ્તારોમાં કયારેક પૂર્વના ફૂંકાશે

રાજકોટ, તા. ૧૧ : જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૦ થી ૧૭ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે છેલ્લા બે અઠવાડીયાથી પડી રહેલ અસહ્ય ઠંડીનો આકરો રાઉન્ડ હવે પૂર્ણ થાય છે અને હવે ઠંડીમાં રાહત મળશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૦ થી ૧૭ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં જણાવેલ કે દિવસનું તાપમાન જે હાલ નોર્મલથી ઘણું નીચુ રહે છે તે આવતીકાલથી નોર્મલે પહોંચી જશે. આગાહી સમયમાં પણ દિવસનું તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ રહેશે. ઠંડીમાં રાહત મળશે. જેથી ૧૨ જાન્યુઆરી સુધી ન્યુનતમ તાપમાન નોર્મલ અથવા આંશિક વધારે તા.૧૩-૧૪ અને ૧૬ ફકત સૌરાષ્ટ્રના સિમિત ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તા.૧૫ થી ૧૭ દરમિયાન ન્યુનતમ તાપમાન ફરી નોર્મલ તરફ પહોંચી જશે.

તા.૧૨ થી ૧૭ દરમિયાન ભેજનું પ્રમાણ પણ ઘટી જશે. તા.૧૧થી ભેજમાં ઘટાડો થવાનું શરૂ થઈ જશે. પવનો મુખ્યત્વે વધુ વિસ્તારમાં ઉત્તરના ફૂંકાશે. ગુજરાતમાં અમુક વિસ્તારમાં કયારેક પૂર્વ દિશામાંથી પણ પવન ફૂંકાય. હાલ પવનની ઝડપ વધુ જોવા મળે છે. જે તા.૧૦ સુધી રહેશે. તા.૧૧-૧૨ના આંશિક ઘટશે. તા.૧૨ થી ૧૭ જાન્યુઆરી સુધી પવનનું પ્રમાણ પણ ઓછુ થઈ જશે. ૫ થી ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.

(11:56 am IST)