Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

લો કર લો બાત.. ગુજરાતમાં પુરૃષોમાં દારૃ પીવાનું ઘટયું પણ મહિલાઓમાં વધી ગયું

અમદાવાદ, તા.૧૧: ગાંધીના ગુજરાતમાં દારુબંધી કેવી છે તે તો બધાને જગ જાહેર છે. પરંતુ આ બધામાં સૌથી આશ્ચર્ય જનક વાત નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં સામે આવી છે. જેના આંકડા જોઈને કોઈ પણ વ્યકિતને આશ્યર્ય થશે કે આવું પણ બની શકે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દારુની ખપત તો વધી જ છે પરંતુ સાથે સાથે તેમાં દારુનું સેવન કરવામાં મહિલાઓની સંખ્યામાં પણ વધીને બે ગણી થઈ ગઈ છે. જયારે આ જ સમયગાળામાં પુરુષોની સંખ્યા એટલી નથી વધી.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ૨૦૧૯-૨૦૨૦ રિપોર્ટ અનુસાર કુલ ૩૩,૩૪૩ મહિલાઓ અને ૫૩૫૧ પુરુષોનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

જે પૈકા ૨૦૦ મહિલાઓ એટલે કે ૦.૬ ટકા મહિલાઓ અને ૩૧૦ પુરુષો એટલે કે પુરુષોના સેમ્પલના કુલ ૫.૮ ટકા પુરુષોએ સર્વેમાં જણાવ્યું હતું કે તેણે દારુનું સેવન કર્યું છે. જેની સામે ૨૦૧૫માં કરવામાં આવેલા આ સર્વેમાં ૨૨,૯૩૨ મહિલાઓ પૈકી માત્ર ૬૮ એટલે કે ૦.૩ ટકા મહિલાઓ અને ૬૦૧૮ પુરુષો પૈકી ૬૬૮ એટલે કે ૧૧.૧ ટકા પુરુષોએ દારુનું સેવન કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ બંને ડેટા સેટને એકબીજા સાથે તુલના કરતા ૨૦૧૫માં ફકત ૦.૧ ટકા શહેરી મહિલાઓએ જણાવ્યું હતું કે તેમણે દારુનું સેવન કર્યું છે જેની સાથે ૨૦૨૦માં ૦.૩ ટકા મહિલાઓએ દારુનું સેવન કર્યું હોવાનું જણાવ્યું છે.

૨૦૧૫માં પુરુષોના કિસ્સામાં ૧૦.૬ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ દારૃનું સેવન કરે છે, જયારે ૨૦૨૦માં તે ઘટીને ૪.૬ ટકા થઈ ગયું હતું. ગ્રામીણ વિસ્તારોમાં આલ્કોહોલનું સેવન કરતી મહિલાઓની ટકાવારી ૨૦૧૫માં ૦.૪ ટકાથી વધીને ૨૦૨૦માં ૦.૮ ટકા થઈ હતી. પુરુષોના કિસ્સામાં આ સંખ્યા ૨૦૧૫માં ૧૧.૪ ટકાથી ઘટીને ૨૦૨૦માં ૬.૮ ટકા થઈ ગઈ હતી.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, 'રાજયમાં અનેક સમુદાયોમાં દારૃ પીવાનું મૂળ ઊંડું છે. આ સમુદાયોમાં આ એક પરંપરા છે, જયાં સ્ત્રી અને પુરુષ બંને એક સાથે બેસીને ખાસ પ્રસંગોએ દારૃ પીવે છે. આપણી આદિવાસી વસ્તી એક ઉદાહરણ છે અને કેટલાક સમુદાયોમાં પણ છે. આ પાછલી અડધી સદીમાં જ તે ગુનો બની ગયો છે.

એક વરિષ્ઠ IPS અધિકારીએ આ હકીકતને બીજી વાર કહી હતી પરંતુ કહ્યું હતું કે આંકડા હજુ પણ ઓછા આંકવામાં આવ્યા છે. 'ઘણા લોકો દારૃની સ્થિતિ જાહેર નહીં કરે, કારણ કે તે રાજયમાં ગુનો છે. પરંતુ પરમિટ ધારકોની સંખ્યા અને દારૃના વધતા જતા દરોડાથી સાચું ચિત્ર સામે આવશે.'

(1:12 pm IST)