Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગાંધીનગરમાં સે-21માં શોપિંગ સેન્ટરમાં બે બંધ દુકાનના શટર તોડી તસ્કરોએ 43 હજારની મતાની ઉઠાંતરી કરી

ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના સે-ર૧ શોપીંગ સેન્ટરમાં તસ્કરોએ ગઈરાત્રે બે બંધ દુકાનોના શટર તોડીને તેમાંથી રોકડા રૃપિયા ૪૩ હજારની મત્તા ચોરી લીધી હતી. જે સંદર્ભે આજે સવારે વેપારીઓને જાણ થતાં તેમણે સે-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે તપાસ શરૃ કરી છે.   

રાજયના પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે તસ્કરોએ શહેરના સે-ર૧માં આવેલા અપનાબજાર પાસેના શોપીંગ સેન્ટરને ગઈરાત્રે નિશાન બનાવી બે દુકાનોના શટર તોડી ચોરી કરી હતી. જે સંદર્ભે સે-ર૧ બ્લોક નં.૪૦/પ છ-ટાઈપમાં રહેતા જયેશભાઈ છોટાલાલ પારેખે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે રાત્રે નવ વાગ્યે તેમની ભગવતી સેલ્સ નામની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. આજે સવારના સમયે તેઓ દુકાન ઉપર પહોંચ્યા ત્યારે દુકાનના મુખ્ય દરવાજાના શટરની પટ્ટી તુટેલી હાલતમાં જણાઈ હતી. જેથી દુકાનમાં જઈ કેશ કાઉન્ટર તપાસ કરતા તેમાં મુકેલા ૩પ હજાર રૃપિયા રોકડા ચોરાયા હતા. ત્યારે તેમની દુકાનની બાજુમાં આવેલી સી-પ નંબરની મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોરના પણ શટર તુટેલા હતા અને આ સંદર્ભે તેના માલિક સંજયભાઈ સુરેન્દ્રભાઈ શાહને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તપાસ કરતાં તેમની દુકાનના ડ્રોઅરમાંથી આઠ હજાર રૃપિયા રોકડા ચોરાયા હતા. હાલ તો આ સંદર્ભે સે-ર૧ પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

(5:15 pm IST)