Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ગાંધીનગર: હાઇવે માર્ગ નજીક પુરપાટ ઝડપે જતી કારે સિક્યુરિટીને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે એપોલો સર્કલથી તપોવન જવાના માર્ગ ઉપર સિક્યોરીટી ગાર્ડને અડફેટે લઈ કારચાલક કાર મુકીને નાસી છુટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ આધેડ સિક્યોરીટી જવાનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ ઘટના અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.  

ગાંધીનગર જિલ્લાના હાઈવે માર્ગો ઉપર છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. અકસ્માતની આ ઘટનાઓના પગલે પોલીસ પણ હાઈવે માર્ગો ઉપર અકસ્માત અટકાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા મથી રહી છે તેમ છતાં અકસ્માતો સતત વધી જ રહયા છે. ત્યારે  સુઘડમાં ડીવાઈન પ્લોટ ખાતે આવેલી ઓરડીઓમાં રહેતા અને સીકયોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં રામપાલ જગન્નાથ પ્રજાપતિએ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે તે તેમની ફરજ ઉપર હાજર હતા તે સમયે પાર્શ્વનાથ ઈન્ફોટેકની સામે એપોલો સર્કલથી તપોવન જતાં રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમની સાથે રહેતાં પ૮ વર્ષીય ગયા ઉર્ફે રામપ્રસાદ સિપાહીલાલ કેવટનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે રામપ્રસાદ કેવટનો મૃતદેહ પડયો હતો. જેનાથી થોડે દુર કાર નં.આરજે-ર૭-યુબી-૩૭૭૧ની પડી હતી અને આ કારના ચાલકે રામપ્રસાદ સાથે અકસ્માત સર્જયો હતો અને કાર મુકીને નાસી છુટયો હતો. જેથી આ મામલે હાલ તો અડાલજ પોલીસે કાર નંબરના આધારે તેના ચાલકની શોધખોળ શરૃ કરી દીધી છે.

(5:15 pm IST)