Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

૯ મહિના બાદ શાળાઓ ખુલી : વિરમગામની શાળાઓમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા

ધોરણ ૧૦ તથા ૧૨ ના વિધાર્થીઓ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વર્ગખંડમાં પ્રવેશ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સમગ્ર  વિશ્વમાં આકસ્મિક આવી પડેલી કોરોના મહામારીને કારણે લોકડાઉન અને શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. આ મહામારીને કારણે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ૯ મહિનાનું લાંબુ વેકેશન  લાગું કરવામાં આવ્યુ હતું. પરતુ હવે રાજ્યમાં કોરોનાની તીવ્રતા ઓછી થતા અને રિકવરી રેટ વધતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને શાળામાં ઓનલાઇન શિક્ષણની સાથોસાથ સોમવારથી ઓફલાઈન શિક્ષણ શરું કરવામાં આવ્યું છે.

  વિરમગામની ત્રિપદા ગુરૂકુલમ ભોજવા, આઇપીએસ સ્કુલ, નવયુગ વિદ્યાલય, કે બી શાહ વિનય મંદિર, સેતુ વિદ્યાલય, દિવ્યજ્યોત હાઇસ્કુલ સહિતની શાળાઓમાં ધોરણ ૧૦ તથા ૧૨ના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને નવ મહિનાના લાંબા અંતરાલ બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમા ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરમગામની શાળાઓમાં વિદ્યાર્થીઓને માસ્ક અને સેનીટાઇઝર આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 વિદ્યાર્થીઓને શાળામાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોવિડ-૧૯ અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે સુચના આપવામાં આવી હતી. શાળાના વર્ગખંડને સેનીટાઇઝ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત   વાલીઓ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી હતી. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી પરંતુ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ શાળામાં આવીને શિક્ષણ મેળવશે તેવો વિશ્વાસ શાળા સંચાલકોએ વ્યક્ત કર્યો છે.

(6:25 pm IST)