Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગાંધીનગર આઇબીના પોલીસ જવાનનો કથિત રીતે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરતા ખળભળાટ

મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા હતા :મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર લવાયો : મૃતક પોલીસ કર્મચારી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી

ગાંધીનગર :મૂળી તાલુકાના સરાના વતની અને ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પોલીસ જવાને કથિત રીતે અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે તેમજ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે મૃતક પોલીસ કર્મચારીના મૃતદેહને પીએમ અર્થે સુરેન્દ્રનગર લાવવામાં આવ્યો હતો. તેમજ મૃતક પોલીસ કર્મચારી પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.

જેમાં ત્રાસ આપતા અધિકારીઓના નામોનો ઉલ્લેખ કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુળી તાલુકાના સરા ગામમાં રહેતા અને હાલ ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા દિપકસિંહ નરેન્દ્રસિંહ પરમાર છેલ્લા ઘણા સમયથી નોકરીને લઇને ચિંતામાં રહેતા હતા.

દિપકસિંહે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા મોત નિપજ્યું હતું. દિપકસિંહને તાત્કાલીક ધ્રાંગધ્રા હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આથી મૃતદેહને પીએમ માટે સુરેન્દ્રનગરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં તેમના કથિત રીતે અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ હોવાનું સામે આવી રહ્યું છે. જે અંગે આગામી દિવસોમાં ખુલાસો થઈ શકે છે.

(10:13 pm IST)