Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોનાની સાંપ્રત પરિસ્થતિ સંદર્ભે રાજય સરકાર દ્વારા અમલી નિયંત્રણોનો માનવીય અભિગમ સાથે અમલ કરાવવા તંત્રને સૂચના આપતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી

ગાંધીનગર જિલ્લામાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ સંદર્ભે કરાયેલી કામગીરી અને વ્યવસ્થાઓની સમીક્ષા કરતા ગૃહ રાજય મંત્રી : રાજયના સૌ નાગરિકોને માસ્ક ફરજિયાત પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ ખાસ રાખવા અપીલ કરી

રાજકોટ તા.૧૦ : રાજયના નાગરિકોને કોવિડ- ૧૯થી સુરક્ષિત રાખવા માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ બાબતે સરકારે અસરકારક કામગીરી હાથ ઘરી છે. એસ.ઓ.પી.ના નિયંત્રણોને માનવીય અભિગમ સાથે અમલવારી કરવાની સૂચના તંત્રને આપી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ કોવિડ- ૧૯ની સાંપ્રત પરિસથિતિ સંદર્ભે કરાયેલ જિલ્લાના સુચારું આયોજન અંગેની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

            આ બેઠકમાં રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીએ કોઇનાથી ભૂલ થાય તો તેને દષ્ટાંતરૂપ ગણીને નાગરિકોને પોતાનું અને પરિવારનું જીવન જોખમમાં ન મૂકવાનો પણ અનુરોધ કર્યો છે. તેમણે રાજયના સૌ નાગરિકોને માસ્ક ફરજિયાત પહેરવા અને સોશ્યિલ ડિસ્ટન્સ ખાસ રાખવા પણ અપીલ કરી છે. એસ.ઓ.પી. નો ચુસ્ત અમલ કરીને પરિવારને સુરક્ષિત રાખવું તે અત્યંત જરૂરી છે. કોરોનાકાળમાં યોગ્ય સહયોગ કરવા પણ સર્વેને નાગરિકોને અપીલ કરી છે. તેમજ કોરોનાની પરિસ્થિતમાં નાગરિકોને આરોગ્ય સેવા ઝડપી મળી રહે અને આરોગ્ય સેવામાં કોઇ કચાસ ન રહે તે માટે સર્વે અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

            આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં તા. ૦૩ થી ૦૯ જાન્યુઆરી, ૨૦૨૨ દરમ્યાન આવેલા દિવસ અનુસારના કોરોનાના કેસોની માહિતી આપી હતી. આ માહિતીમાં ઉમર અનુસાર અને બી.પી. ડાયાબિટીસ અને અન્ય રોગ ધરાવતા નાગરિકોમાં કોરોનાના કેસોની સંખ્યા કેટલી છે, તેની માહિતી આપતું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. આ ઉપરાંત છેલ્લા અઠવાડિયામાં ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સી.એસ.સી- ૯, એસ.ડી.એચ. – ૧, પી.એચ.સી.- ૨૯ અને યુ.એચ.સી. – ૪ મળી ૪૩ સ્થળો અને મોટા ચિલોડા, કલોલના કલ્યાણપુરા શાકમાર્કેટ અને બસ સ્ટેશન ખાતે વોક થ્રોઇંગ ટેસ્ટિંગ સેન્ટર પણ ઉભા કરવામાં આવ્યા છે. જયાં નિયમિત રીતે ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. હાલમાં આરટીપીસીઆર ટેસ્ટ વધુ કરવામાં આવી રહ્યા છે. તેમજ કલોલમાં કોરોનાના કેસની સંખ્યા વધતી હોવાથી ત્યાં ત્રણ ધન્વનંતરિ રથ કામ કરી રહ્યા છે. ધન્વનંતરિ રથ દ્વારા બે દિવસમાં ૪૪૪ ઓ.પી.ડી કરવામાં આવી છે.

            કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે, કોવિડ- ૧૯ અંતર્ગત જિલ્લામાં રસીકરણની કામગીરી ખૂબ સારા પ્રમાણમાં થઇ છે. જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરના ૮,૪૭,૭૪૬ માંથી ૮,૪૧,૩૨૨ નાગરિકોને રસી આપીને ૯૯ ટકા અને ૧૫ વર્ષથી ઉપરની ઉંમરના ૬૬,૭૪૨ માંથી ૫૫,૭૩૪ વિધાર્થીઓને રસી આપીને ૮૩ ટકા પ્રથમ ડોઝની કામગીરી કરવામાં આવી છે. તેમજ ૧૮ વર્ષથી ઉપરના ૮,૩૨,૬૦૫ લોકોને કોરોના રસીનો બીજો ડોઝ આપીને ૯૭ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમજ સાવચેતીના ભાગ રૂપે આજથી હેલ્થ કેર વર્કસ – ૧૩,૮૭૨, પ્રથમ હરોળના વર્કસ – ૨૨,૦૩૧ અને ૬૦ વર્ષથી ઉપરના ૧,૧૬,૫૧૪ લોકોને કોરોના રસી આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ૭૭૬ નોન આઇ.સી.યુ. વીથ ઓકસિજનવાળા બેડ, ૬૫૭ નોન આઇ.સી.યુ અને ઓક્સિજન સુવિધા વગરના બેડ તથા આઇ.સી.યુ. ના ૯૩ વેલ્ટિનેટર વગરના અને ૩૩ વેલ્ટિનેટર વાળા બેડની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે.

            ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ધવલ પટેલે તા. ૦૧ થી ૦૯ જાન્યુઆરી સુધી મનપા વિસ્તારમાં આવેલા કોરોનાના કેસોની વિગતો આપી હતી. તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવતી કોવિડ- ૧૯ના ટેસ્ટીંગની પણ વિસ્તૃત માહિતી આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ ૨૧, હેલ્થ સેન્ટર ૧ અને કેર સેન્ટર ૨ મળી ૨૪ સ્થળોએ કોવિડની સારવાર સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ ૨૪૦૫ બેડ છે. જેમાં ૩૮૮ બેડ આઇ.સી.યુ. વીથ વેન્ટિલેટરવાળા, ૭૨ બેડ વેન્ટિલેટર વગરના આઇ.સી.યુ., ૧૬૫૮ બેડ ઓક્સિજનની સુવિધાવાળા, ૨૮૭  ઓક્સિજન સુવિધા વગરના આઇ.સી.યુ. બેડ છે. મહાનગરપાલિકા વિસ્તારમાં તા. ૦૯ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના ૨,૯૫,૪૩૦ માંથી ૩,૮૩,૦૯૫  વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપીને ૧૩૦ ટકા કામગીરી કરવામાં આવી છે. તેમજ ૯૮ ટકાથી વધુ વ્યક્તિને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેમજ ૨૪,૬૯૪ જેટલા ૧૫ વર્ષથી ઉપરના વિધાર્થીઓમાંથી ૨૦,૭૫૦ વિધાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી છે. હાલમાં ૮ ધન્વનંતરિ રથ મનપા વિસ્તારમાં કાર્યરત છે. જેના થકી છેલ્લા નવ દિવસના સમયમાં ૪,૯૫૪ ઓ.પી.ડી કરવામાં આવી છે.  

            આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા, અધિન નિવાસી કલેકટર શ્રી રીતુ સિંગ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ સહિત સંબંધિત અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા.

(5:11 pm IST)