Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજયમાં આઇએએસમા પસંદગીથી નિમણુંક અર્થેના ઠરાવમાં મુકેલી ર તકની શરત રદ કરવા કુંવરજીભાઇ બાવળીયાની રજુઆત

(વિજય વસાણી દ્વારા) આટકોટતા.૧૧ : જસદણના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર  પાઠવીને રાજય સેવામાથી આઇએએસમા પસંદગીથી નિમણુંક અર્થેના ઠરાવમાં મુકેલી ર તકની શરત રદ કરવા માંગણી કરી છે.

કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં જણાવ્યું છે કે રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઉકત અનુંવાળા ઠરાવથી રાજય સેવામાં આઇએએસમાં પસંદગીથી નિમણુંક અર્થેની પ્રક્રિયામાં જણાવવામાં આવ્યું છે. કે ''અધિકારીઓ ત્યારે જ અરજી કરવા પાત્ર હશે જો તેને ત્રણ વખત વિચારણાના ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યા હોય, જો તેઓ બે વાર નિષ્ફળ જાહેર કરવામાં આવ્યા ન હોય તો જ તે અરજી કરવાને માટે પાત્ર રહેશે.''

યુ.પી.એસ.સી. દ્વારા પણ તેના દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ માટેની પરિક્ષા માટે છ (૬) તક આપવામાં આવે છે. જયારે સામાન્ય વહીવટ વિભાગના આ સુધારાથી તકમાં ઘટાડો કરી માત્ર ર (બે) તક આપવામાં આવતા સરકારી સેવામાં હોવા સાથે પરીક્ષાની તૈયારી કરી પરિણામમાં અગ્રતાક્રમે પસંદ થતાં વર્ગ-૧ ના અધિકારી એવા ઉમેદવારોને સ્પર્ધામાંથી સિધ્ધાજ બાકાત કરવામાં આવ્યાછે. જેના કારણે મહેનતું/કાબેલ ઉમેદવારો માટે આ ઠકરાવ અન્યાય કર્તા બની રહેશે તેવું જણાય છે.

ઉકત બાબતો ધ્યાનમાં રાખી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવામાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તે ઠરાવ અનુભવી અધિકારીઓનો લાભ વહીવટી તંત્રને મળી રહે તેવા હેતુ સબબ રદ કરવો જોઇએ અને  સામાન્ય વહીવટી વિભાગના તા.૧૯/૧/ર૦૧૩ ના મુળ ઠરાવની જોગવાઇ મુજબ દરેક અધિકારી તેઓની પ૬ વર્ષ સુધી ઉમર સુધી રાજય સેવામાંથી આઇએએસ પસંદગીથી નિમણુંક પ્રક્રિયામાં ભાગ લઇ શકે તે જોગવાઇઓને યથાવત રાખવા અંગે જરૂરી સુધારા ઠરાવ કરવા સામાન્ય વહીવટ વિભાગને સુચના કરવા અંતમાં કુંવરજીભાઇ બાવળીયાએ માંગ કરી છે.

(11:36 am IST)