Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઉત્તરાયણનો ઉમંગ ઉરમાં, પતંગ થઈ નગર ઝૂમતું રંગીલા નભમાં

ઉમંગના ઉત્સવ ઉત્તરાયણની વાતો ઉંધિયા જેવી ચટપટી, જલેબી જેવી મધૂર, ચિકી જેવી કૂરકૂરીને શેરડી જેવી રસદાર છે : રાષ્ટ્રીય તહેવાર ઉત્તરાયણ 'કૃષિ તહેવાર' તરીકે ઉજવવા પ્રદેશ એવી પરંપરાઃ ચીનની શોધ એવી પતંગનો ઉપયોગ બીજા યુધ્ધના સમયગાળામાં કરાયો હતો

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં,

ઉરે ઉત્તરાયણ ઉમંગ,

વન વન પલટ્યા પવન,

ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં,

કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં.

કાવ્યપંકિતના આ શબ્દો ઉત્તરાયણ કે મકરસંક્રાતિ તરીકે ઓળખાતા પતંગોત્સવને વર્ણવવા માટે પૂરતાં છે. આમ તો, ઉત્તરાયણે મનોવનમાં એવો ઉમંગ છવાય છે જે વર્ણવી શકાય તેમ નથી. આ વર્ષે તો શિતલહેર વચ્ચે ઉત્તરાયણની ઉજવણી સાથે સવારના કૂણો તડકો માણવાની મોજ હશે. બપોરના સીધા સૂર્યકિરણો પણ સહુ કોઈને પસંદ પડશે તો સંધ્યાકાળે ડૂબતા સૂરજના રેલાતા રંગ અને આભમાં રંગબેરંગી પતંગો વચ્ચે જાણે રંગ વિખેરવાની સ્પર્ધા જામશે. આભને આંબતા આનંદ વચ્ચે આતશબાજીના ધૂમધડાકા, ફાનસના તેજલિસોટા ને ઠંડા પવન વચ્ચે પ્રત્યેક માનવીનું મન જાણે વ્હાલથી લહેરાશે. મોજ-મજાના ઉત્સવ ઉત્તરાયણની અનેક રસપ્રદ વાતો તલસાંકળી, ચિકી જેવી કૂરકૂરી, ઉંધિયા જેવી ચટપટી, જલેબી જેવી મધૂર ને શેરડી જેવી રસભરી પણ છે. આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી આખો દિવસ પતંગ ચગાવાય છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ થાય છે.

 મકરસંક્રાતિ દેશનો કૃષિ તહેવાર

ભારત સરકારે રાષ્ટ્રીય તહેવારમાં સામેલ કર્યો છે એ મકરસંક્રાંતિ પર્વ આપણા દેશનો કૃષિ તહેવાર પણ છે. પંજાબ, હિમાચલ પ્રદેશમાં લોહડી કે લોહરી તરીકે ઉજવણી કરીને લોકો ખેતપેદાશની કાપણી કરીને ઘરે લાવે તેની ખુશીમાં ઉજવણી કરે છે. છાણાં, લાકડા અને ખેતપેદાશના કચરામાંથી અગ્નિ પ્રગટાવીને તેમાં ખજુર,શેરડી તથા તલનો હોમ કરાય છે. આંધપ્રદેશ અને તામિલનાડુમાં પોંગલ ઉત્સવમાં દિવાળી જેવો માહોલ રચાય છે. મહારાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં તલ અને ગોળમાંથી બનાવેલી વાનગી એક-બીજાને ખવડાવીને તિલ ગુડ દયા આણી ગોડ ગોડ બોલા (તલ ગોળ ખાવ અને સારું સારું બોલો) એમ કહે છે. આંધ્ર પ્રદેશમાં ઉતરાયણના આગલા દિવસે લોકો જુની નકામી વસ્તુઓ, કપડા વગેરેનો ત્યાગ કરીને નવું અપનાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં માટીના કાચા મકાનોને રંગરોગાન અને રંગોળી પુરવાની તેમજ એકબીજા ઘરે મળવા જવાની પરંપરા છે. તેલંગાણાના અનેક વિસ્તારમાં કૂકડા લડાવવામાં આવે છે. આસામમાં માઘ બીહુ તહેવાર ઉજવણીરૂપે ખેતરમાં પાકેલા ધાન્યો ઘરે આવી જાય તેની ખુશીમાં જળાશયના કાંઠે હંગામી ઝૂંપડી બનાવીને ભોજન કરે છે અને રાત્રે પરિવાર સાથે બીહુ નૃત્ય કરે છે.  તામિલનાડુમાં પોંગલ ઉજવણીના પહેલા દિવસે ખેડૂતો કચરો ભેગો કરી સળગાવે છે, બીજા દિવસે લક્ષ્મીપૂજન અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરે છે. કર્ણાટકમાં કાવેરી બેસિનના લોકો શુંગી નામથી ઉજવણીમાં નવા કપડા પહેરીને વડિલોના આર્શિવાદ મેળવે છે. ગાયોના શિંગડા પર તેલ ચોપડીને તેને શણગારવામાં આવે છે.

  પતંગોનો ઉપયોગ બીજા વિશ્વયુધ્ધમાં થયો હતો

પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ૩૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ચીન, કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો. ૧૩મી સદીના અંતમાં માર્કો પોલોએ યુરોપમાં પતંગની કહાણી પહોંચાડી હતી. સર જ્યોર્જ કેલી, સેમ્યુઅલ લેન્ગલી, લોરેન્સ હારગ્રેવ, અલેકઝાન્ડર ગ્રેહામ બેલ અને વ્રેટ બ્રધર્સે પતંગો સાથે વિવિધ પરીક્ષણો કર્યાં અને એરોપ્લેનના વિકાસમાં ફાળો આપ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ, ફ્રાન્સ, ઇટાલી અને રશિયન આર્મી પતંગનો પ્રયોગ કરીને દુશ્મનોની જાણકારી મેળવીને તેઓ પોતાના જવાનોને એરોપ્લેનમાંથી તાત્કાલિક માહિતી પહોંચાડવા માટે કર્યો હતો. વૈજ્ઞાનિક સંશોધનો અને શોધોને કારણે હવે મિલિટરીમાં પતંગોનો ઉપયોગ ઘટયો છે. ૫૦ વર્ષ પહેલાં જોવા મળતી પતંગોમાં નવા મટીરિયલ્સનો પ્રયોગ કરીને તેને નવું રુપ આપવામાં આવ્યું છે. નાયલોન, ફાઈબર ગ્લાસ, કાર્બન પેપરનો પ્રયોગ કરીને તેને કલરફુલ બનાવવામાં આવી છે.

  મકરસંક્રાંતિ અને

ઉત્તરાયણ હવે અલગ છે

પ્રાચીનકાળથી સૂર્ય ઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે 'પતંગ' શબ્દ વપરાયો છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બરથી થાય છે. મોટા ભાગના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક સાથે થતી હતી.

 ઉત્તરાયણ મોતનો નહીં, મોજનો ઉત્સવ

ઉત્તરાયણ એ મોતનો નહીં મોજનો ઉત્સવ છે એ બાબત ધ્યાનમાં રાખી ઉજવણી કરવી જોઈએ. ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો પોતાની પતંગ કપાઇના જાય એની વેતરણમાં ભાન ભૂલે ત્યારે ગગનમાં વિહાર કરતા પક્ષીઓ માટે મોત ભમતું હોય છે. મસ્તીના પવિત્ર પર્વમાં આપણે પક્ષીઓનો ભોગના લઇએ એ ખૂબ જરૂરી છે. એ જ રીતે ઉત્તરાયણની મજા લૂંટીએ પરંતુ આપણું જીવન તેનાથી વધારે મહત્વપૂર્ણ છે.

 પૂણ્ય, પરંપરા અને પતંગોત્સવ

ઉત્તરાયણ કે મકરસંક્રાતિ, જે કહો તે પણ તેના મૂળમાં પૂણ્ય, પરંપરા સાથે પતંગોનો ઉત્સવ છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે.આ ઉપરાંત ઘઉં, બાજરી, જુવાર અને અન્ય ધાનની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે અનેક ગણું પુણ્ય ફળ મળે છે. વહેલી સવારથી સાંજ ઢળે ત્યાં સુધી અગાસી પર ૧૨-૧૩ કલાકની નોનસ્ટોપ મસ્તી અને આભને આંબતા ઉમંગનું પર્વ નવા વર્ષના આરંભે જ તાજગી અને તરવરાટ ભરી દે છે. આવા તહેવાર માટે કવિ રમેશ પારેખની કાવ્યપંકિત આયના જેવી છે. (૪૦.૩)

પતંગનો ઓચ્છવ

એ બીજું કંઈ નથી, પણ

મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !

સંકલનઃ

હેમાંગિની ભાવસાર

અમદાવાદ.

મોબાઈલઃ ૯૯૭૯૨૨૮૦૨૯

(2:35 pm IST)