Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પુત્રીને ઝેર આપી માતાએ ફાંસો ખાધોઃ પુત્રીનું મોત-માનો બચાવ

અમદાવાદ, તા.૧૧: વાપી તાલુકાના લવાછા ગામે માતાએ તેમની ત્રણ વર્ષની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઇ લીધો હતો. જોકે, મોટી પુત્રીએ માતાને ફાંસો ખાતા જોઇ જતા આબાદ બચાવ થયો હતો જ્‍યારે ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું. ડુંગરા પોલીસે માતા સામે જ પુત્રીની હત્‍યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાપી સેલવાસ મુખ્‍ય માર્ગ પર લવાછા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતા રાજીવકુમાર શીવધારી પાલ રવિવારે બપોરે ઘરની બાજુના રૂમમાં આરામ કરતા હતા. આ દરમિયાન તેમની પત્‍ની માયા સૌથી નાની પુત્રી ક્રિશાને લઇને રૂમનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાધો હતો. જો કે ઘટનાની જાણ મોટી પુત્રી લક્ષ્મીએ પિતાને કરતા તાત્‍કાલિક રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેમા માયા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.
પતિ રાજીવકુમારે પત્‍નીને પગ પકડી ઊંચી કરી દીધી હતી અને મોટી પુત્રીએ ચાકુથી દોરી કાપી નાંખીને નીચે ઉતારી દીધી હતી. ફાંસો ખાધેલી હાલતમાં માંડ બચેલી પત્‍ની માયાએ કહ્યું હતું કે, પુત્રી ક્રિશાને ઉંદર મારવાની દવા પીવડાવેલી છે જેથી તમે એને બચાવી લો. માતા અને પુત્રીને તાત્‍કાલિક સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી જ્‍યા ફરજ ઉપરના તબીબે ત્રણ વર્ષની માસુમ પુત્રી ક્રિશાને મળત જાહેર કરી હતી. જ્‍યારે માયાને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

 

(2:53 pm IST)