Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે કરૂણા અભિયાન : દેશભરમાં અબોલ જીવના સંરક્ષણ માટે અનોખુ અભિયાન ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે : રાજયભરમાં ૫૪૬ ડૉકટર્સ અને ૬,૦૦૦થી વધુ સ્વંયસેવકો સહભાગી થશે : રાજ્યમાં હેલ્પલાઈન નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર “karuna” વૉટસએપ કાર્યરત : ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત : રાજ્યભરમાં જરૂરિયાત મુજબ ૭૬૪થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો બનાવાયા : તમામ કેન્દ્રો ઓનલાઈન મેપ પર મૂકાયા :જીવ દયાના આ અભિયાનમાં સૌ સહભાગી બનીએ : સવારે ૯.૦૦ પહેલાં અને સાંજે ૬.૦૦ પછી પતંગ ન ઉડાવીએ : તમામ તાલુકાઓમાં રોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી કંટ્રોલરૂમ કાર્યરત :

વનમંત્રી કિરીટસિંહ રાણા કૃષિ-પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વન-પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશ પંચાલની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા

રાજકોટ તા.૧૧  વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં તારીખ ૧૦મી જાન્યુઆરી થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન ૨૦૨૨ યોજવામાં આવશે અબોલ જીવોના રક્ષણ માટેના આ અભિયાનમાં આવો આપણે સૌ નાગરીકો સાથે મળીને પશુ-પક્ષીઓનું રક્ષણ કરીએ.

રાજ્યમાં યોજાનાર આ અભિયાન સંદર્ભે આજે કૃષિ-પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને વન રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ ની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને સઘન આયોજન કરવા ભારપૂર્વક જણાવાયુ હતું.

વન મંત્રી શ્રી રાણાએ જણાવ્યું હતું કે આપણે સૌ ઉત્સવ પ્રિય નાગરિકો છીએ ત્યારે ઉતરાયણના પાવન પર્વમાં ઉત્સાહ સાથે અબોલ પશુ-પક્ષીઓને નુકસાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખીએ, સવારે ૯.૦૦ કલાક પહેલાં અને સાંજે ૬.૦૦ કલાક પછી પતંગ ઉડાડીએ નહીં તેમજ નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ.

તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૧૭થી રાજ્યમાં કરુણા અભિયાન શરૂ કરીને અબોલ જીવોના રક્ષણ માટે દેશભરમાં ગુજરાતે એક સારી શરૂઆત કરીને સંવેદનશીલતાનો નવતર અભિગમ હાથ ધર્યો છે. આ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં અંદાજે ૫૫ હજારથી વધુ પક્ષીઓને આપણે સારવાર દ્વારા બચાવી શક્યા છીએ. ગત વર્ષે ૯ હજારથી વધુ પક્ષીઓ ઘાયલ થયા હતા. જેમાં આશરે ૭૫૦ પક્ષીઓના મૃત્યુ થયા હતા. ગત વર્ષના અનુભવના આધારે આ વર્ષે રાજ્યભરમાં જરૂરિયાત મુજબ ૭૬૪થી વધુ પક્ષી નિદાન કેન્દ્ર બનાવવામાં આવશે જેમાં સવારે ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી સારવાર અપાશે. આ વર્ષે આ તમામ કેન્દ્રોને ઓનલાઈન મેપ પર મૂકવામાં આવ્યા છે જેમાંથી કોઈપણ વ્યક્તિ રાજ્યના તમામ કેન્દ્રોની માહિતી સહેલાઈથી મેળવી શકશે.

મંત્રીશ્રી રાણાએ કહ્યું કે આ તમામ કેન્દ્રો માટે રાજ્ય સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પર ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર “karuna” વૉટસએપ કાર્યરત કરાયું છે. ઉપરાંત https://bit.ly.karunaabhiyan લીંક ઉપર ક્લિક કરીને QR કોડ પણ કાર્યરત છે જેના દ્વારા નાગરિકો પક્ષી નિદાન કેન્દ્રોની વિગતો મેળવી શકશે. 

પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતાં પંક્ષી-પશુઓને સારવાર માટે શરૂ કરાયેલું આ ‘‘કરુણા અભિયાન’’ આજે અત્યંત આશિર્વાદરૂપ સાબિત થયુ છે. આ વર્ષે યોજાનાર અભિયાન દરમિયાન પશુપાલન વિભાગ હસ્તકના ૩૭૬ સ્થાયી સારવાર કેન્દ્રો, ૩૭ કરુણા એમ્બ્યુલન્સ તથા ૫૨ જેટલા પશુ મોબાઈલ દવાખાના ખડેપગે તૈનાત રહેશે. અંદાજે ૫૪૬ ડૉકટર્સ અને ૬,૦૦૦થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાશે. 

વન રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલે કરુણા અભિયાનને આવકારતા કહ્યું કે રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદના સાથે પશુ પક્ષીઓને બચાવવા સંનિષ્ઠ પ્રયાસો આ અભિયાન થકી છેલ્લા પાંચ વર્ષથી કરી રહી છે જેના ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે. પક્ષીઓ-પશુઓને સારવાર સહિત ઓપરેશનની સુવિધાઓ પણ રાજ્ય સરકાર વિનામૂલ્યે પૂરી પાડીને પક્ષીઓના જીવ બચાવે છે જેમાં સરકારી અધિકારી-કર્મચારીઓ સહિત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાઈને સેવા આપે છે તે તમામ અભિનંદનને પાત્ર છે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણ સોલંકી, કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી નલીન ઉપાધ્યાય સહિત વન અને પશુપાલન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

(3:11 pm IST)